વી.વી.આઇ.પી. બંદોબસ્ત દરમિયાન એરપોર્ટ સર્કલ પાસે પોલીસ સાથે માથાકૂટ કરતો બાઇક ચાલક
વી.વી.આઇ.પી. બંદોબસ્ત દરમિયાન એરપોર્ટ સર્કલ પાસે જાહેર રોડ પર બાઇક મૂકનાર બાઇક ચાલકે પોલીસ સ્ટાફ સાથે ઝઘડો કર્યો હતો. જે અંગે હરણી પોલીસે ગુનો દાખલ કર્યો છે.
હરણી પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગઇકાલે બિહારના રાજ્યપાલના વી.વી.આઇ.પી. બંદોબસ્તમાં હાજર હતા. જાહેર રોડ પરના અડચણ અને વાહનો દૂર કરવાની કાર્યવાહી તેઓ કરતા હતા. સાંજે સવા છ વાગ્યે એક બાઇક ચાલક વી.વી.આઇ.પી. બંદોબસ્તના રૂટ પર બાઇક પાર્ક કરીને જતા રહ્યા હતા. જે બાઇક ડિટેન કરવાની કાર્યવાહી કરવા પોલીસ સ્ટાફ જતો હતો. તે દરમિયાન બાઇક ચાલક આવી ગયો હતો અને પોલીસ સ્ટાફ સાથે બોલાચાલી કરી ગાળો બોલવા લાગ્યો હતો કે, તમે કેવી રીતે ગાડી લઇ જાવ છો ? તે હું જોઉં છું. તે પોતાના મોબાઇલ ફોનથી વીડિયો ઉતારવા લાગ્યો હતો અને પોતાના બચાવ માટે તમે કેમ ગાળો બોલ્યા ? તેવું કહીને જાહેર રોડ પર ટોળું ભેગું કરી સરકારી કામમાં રૃકાવટ ઉભી કરી હતી. પી.એસ.આઇ. એન.એમ. પ્રિયદર્શીએ બાઇક ચાલક દર્શન સંજયભાઇ ચૌહાણ (રહે. સવાદ ક્વાટર્સ, ન્યૂ વી.આઇ. પી. રોડ)ની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.