Gujarat

શહેરના ચિત્રા નજીક આઈસરે અડફેટે લેતાં બાઈકચાલકનું મોત,મિત્રને ઈજા

By GS TEAM
22 Jun 20252 mins read
શહેરના ચિત્રા નજીક આઈસરે અડફેટે લેતાં બાઈકચાલકનું મોત,મિત્રને ઈજા

- ભાવનગર-બોટાદમાં અલગ-અલગ 3 અકસ્માત સર્જાયા 

- ઘાંઘળી નજીક ડમ્ફરે કારને અડફેટે લેતાં સાળંગપુર દર્શને જતાં દંપતિ ઈજાગ્રસ્ત,બરવાળાના રામપરા નજીક બે બાઈક અથડાતાં પિતા-પુત્રને ઈજા 

ભાવનગર : ભાવનગર અને બોટાદ જિલ્લામાં બનેલાં અકસ્માતના અલગ-અલગ ત્રણ બનાવમાં બાઈકચાલકનું મોત નિપજ્યું હતું. જયારે, ગાંધીનગર જિલ્લામાં રહેતાં દંપતિ અને પિતા-પુત્ર સહિત પાંચ લોકોને ઈજા પહોંચી છે. હાલ તમામની સ્થિતિ સ્થિર મનાય રહી છે. 

અકસ્માતના પ્રથમ બનાવની વિગત એવી છે કે, શહેરના ચિત્રાના મહેશ્વરી સોસાયટીની બાજુમાં વાડી વિસ્તારમાં રહેતા અશ્વિનભાઈ હિંમતભાઈ ડાભી અને તેના મિત્ર અંકિત અશોકભાઇ બારૈયા બન્ને જીજે.૦૪.ડીએસ.૧૪૫૦ નંબરની બાઈક લઈને ઘરે આવતા હતા ત્યારે ચિત્રા સતનામ ચોક પાસે આઇસર નં.જીજે.૦૩.એટી.૧૫૬૬ના ચાલકે પોતાનું આઇસર બાઈક સાથે ધડાકાભેર અથડાવતાં ગંભીર ઇજા થવાના કારણે અશ્વિનભાઈનું સ્થળ પર જ મોત થયું હતું. જયારે બાઈકસવાર મિત્ર અંકિતભાઇને ઇજા થતાં હોસ્પિટલે ખસેડાયા હતા.. આ બનાવ અંગે મૃતકના નાના ભાઈ બળદેવભાઈએ આઇસર ચાલક વિરૂદ્ધ બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. તો, ગાંધીનગરના વાવોલ ગામે રહેતા અમનભાઈ શૈલેષભાઈ રાઠોડ તેના પત્ની અસ્મિતાબેન સાથે જીજે.૦૯.બીક.૦૬૮૦ નંબરની કાર લઈને ભાવનગર-સોમનાથ ફરવા નિકળ્યા હતા. કારસવાર દંપતિ સાળંગપુર મંદિરે દર્શને જતા હતા ત્યારે  ઘાંઘળી નજીક જીજે.૦૬.એઝેડ.૨૪૨૦ નંબરના ડમ્ફર ચાલકે કાર સાથે અકસ્માત સર્જી દંપતિને ઈજા પહોંચાડી હતા. બનાવ અંગે કારચાલકના પિતા શૈલેષભાઈએ સિહોર પોલીસમાં ડમ્ફરચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તો, બરવાળા તાલુકાના રામપરા ગામે રહેતા દેવરાજભાઈ ધનજીભાઇ ઢાઢોદરા (ઉ.વ.૪૦) તથા તેમનો પુત્ર સુનિલ (ઉ.વ ૧૬) જીજે.૩૩.એ.૧૩૦૪ નંબરનું બાઈક લઈને બરવાળાથી ઘર વખરીનો સામાન લઈને રામપરા ગામે પરત આવતા હતા ત્યારે કરણી ફાર્મ નજીક સામેથી આવી રહેલ અન્ય એક બાઈક નં.જીજે.૩૩. જે.૫૩૩૪ના ચાલકે અકસ્માત સર્જતાં પિતા-પુત્રને ઇજા થઈ હતી. આ બનાવ અંગે ઇજાગ્રસ્તના કુટુંબી ભાઈ અજિતભાઈએ બરવાળા પોલીસ મથકમાં અજાણ્યા બાઈકચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.