માતર રોડ ઉપર એસટી બસ સાથે અથડાતા બાઈક ચાલકનું મોત
- અમદાવાદ સિવિલમાં સારવાર દરમિયાન મૃત્યુ
- પુરઝડપે બાઈક બસની ડ્રાઈવર સાઈડે અથડાતા કઠલાલના અભીપુરા ગામના યુવાને અકસ્માત
માતર ઇન્દિરાનગરીમાં રહેતા અને ખંભાત એસટી ડેપોના ડ્રાઈવર વિજયભાઈ સનાભાઇ વસાવા ગઈકાલે સાંજે અમદાવાદથી ખંભાત એક્સપ્રેસ એસ.ટી.બસ હંકારી માતર સીમ અંબારામ ફાર્મ નજીકથી જતા હતા. ત્યારે સામેથી પુરઝડપે મોટરસાયકલ એસ.ટી. બસના ડ્રાઇવર સાઈડે અથડાઈ હતી.
એસ.ટી.બસના ચાલકે બસ ઉભી રાખી નીચે ઉતરી જોતા બસને સામાન્ય નુકસાન થયું હતું, જ્યારે બાઈક ચાલકને ગંભીર ઈજા થતા આજુબાજુના લોકો સારવાર માટે માતર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા હતા. ત્યાંથી વધુ સારવાર માટે ખેડા સિવિલ હોસ્પિટલમાંથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં બાઈક ચાલક રાજુભાઈ ઉદેશીહ ચુનારા (ઉં.વ.૨૫, રહે. અભીપુરા તા. કઠલાલ) નું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે વિજયભાઈ સનાભાઇ વસાવાની ફરિયાદના આધારે માતર પોલીસે બાઈક ચાલક સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.