- પરસાતજ પાટિયા નજીક અકસ્માત
- શેખુપુર પાસે કાર બાઈક સાથે અથડાતા માતા-પુત્ર સહિત 3 ઈજાગ્રસ્ત, બંને અકસ્માત અંગે ફરિયાદ
નડિયાદ : ખેડા-મહેમદાવાદ રોડ પરસાતજ પાટિયા નજીક વીજળીના થાંભલા સાથે મોટરસાયકલ અથડાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાઈક ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે બીજા બનાવમાં લીંબાસી-તારાપુર રોડ ઉપર શેખપુર નજીક કાર સાથે મોટરસાયકલ સાથે અથડાતા માતા-પુત્ર સહિત ત્રણને ઇજા થઈ હતી. આ બનાવ અંગે જે-તે પોલીસ મથકમાં ગુનો નોંધાવવામાં આવ્યો છે.
ખેડા તાલુકાના સમાદરા ગામમાં રહેતા જયંતીભાઈ ગોરધનભાઈ પટેલ તા.૩ જાન્યુઆરી૨૦૨૬ની સવારે મોટરસાયકલ લઈને ખેડા-મહેમદાવાદ રોડ ઉપરથી પસાર થતા હતા. ત્યારે વિઠ્ઠલપુરા સીમ પરસાતજ પાટિયા નજીક મોટરસાયકલ વીજળીના થાંભલા સાથે અથડાતા બાઈક ચાલક જયંતીભાઈ ગોરધનભાઈ પટેલને માથામાં તેમજ શરીર ઉપર ગંભીર ઈજા થઈ હતી. જેથી સ્થાનિક રહીશોએ ૧૦૮ બોલાવી તેઓને સારવાર માટે ખેડા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જતા તા.૪ જાન્યુઆરી ૨૦૨૬ના સવારે સારવાર દરમિયાન જયંતીભાઈ ગોરધનભાઈ પટેલ (ઉં.વ. ૬૦)નું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે નીરવભાઈ જયંતીભાઈ પટેલની ફરિયાદ આધારે ખેડા ટાઉન પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
જ્યારે બીજા બનાવમાં પેટલાદ તાલુકાના પંડોરી ગામમાં રહેતા રીતેશભાઈ દોલતભાઈ સોલંકી તેમની માતા રમીલાબેન તેમજ જૈમીનભાઈ કાનજીભાઈ સોલંકી મોટરસાયકલ પર બારેજા મેલડી માતાના દર્શન કરવા ગયા હતા. ત્યાંથી તેઓ પરત લીંબાસી-તારાપુર રોડ ઉપરથી પસાર થતા હતા. ત્યારે શેખુપુર બાલાજી કંપની નજીક ગાડી સાઈડ લાઈટ વગર ટર્ન લેતા મોટરસાયકલ સાથે અથડાઈ હતી. જેથી બાઈક ચાલક રિતેશભાઈ દોલતભાઈ સોલંકી, તેમની માતા રમીલાબેન તેમજ જૈમીનભાઈ કાનજીભાઈ સોલંકીને ઇજા થઈ હતી. આ બનાવ અંગે જયમીનભાઈ કાનજીભાઈ સોલંકીની ફરિયાદ આધારે લીંબાસી પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.


