રસ્તા વચ્ચે ગાય આવી જતા પટકાયેલા બાઇક ચાલકનું મોત
રખડતા ઢોર પર નિયંત્રણ લાવવામાં તંત્ર નિષ્ફળ : પોલીસે ગુનો દાખલ કર્યો
વડોદરા,સોમવારે રાતે આઠ વાગ્યે રણોલી ગામમાં જાહેરમાં રખડતી ગાય સાથે અથડાતા બાઇક સવારને માથામાં તથા પગમાં ગંભીર ઇજા થઇ હતી. તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ,તેઓનું મોત થયું છે.
નંદેસરી ગામ જી.આઇ.ડી.સી. કોલોનીમાં રહેતા ૪૭ વર્ષના ધનંજયભાઇ હનુમંતભાઇ રાંજને રણોલીની જયંત એગ્રો કંપનીમાં કોન્ટ્રાક્ટમાં નોકરી કરતો હતો. ગઇકાલે સાંજે સાડા સાત વાગ્યે કંપનીના કોન્ટ્રાકટર દેવેન્દ્ર પરમારને ટિફિન આપવા માટે બાઇક લઇને રણોલી ગામ જતા હતા. રાતે આઠ વાગ્યે રણોલી ગામ જૂના મહાદેવ મંદિર પાસે ઝાડ નજીક રસ્તા પર એક ગાય આવી જતા તેઓ ગાય સાથે અથડાતા બાઇક સ્લિપ થઇ જતા નીચે પટકાયા હતા. અજાણ્યા રાહદરીએ એમ્બ્યુલન્સને કોલ કરી ઇજાગ્રસ્ત ધનંજયને સૌ પ્રથમ સારવાર માટે સયાજી હોસ્પિટલ અને ત્યારબાદ છાણીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ, ટૂંકી સારવાર દરમિયાન તેઓનું મોત થયું હતું. જે અંગે તેના પિતરાઇ ભાઇએ નંદેસરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
શહેરમાં રખડતા ઢોરના કારણે અવાર - નવાર અકસ્માત થતા હોય છે. તેમછતાંય પશુ માલિકો ઢોર રખડતા મૂકી દેતા હોય છે. ઉલ્લેખનીય છે કે , રખડતા ઢોરના કારણે વાહન ચાલકોને જીવ ગુમાવવો પડે છે. જે અંગે પોલીસ ગુનો પણ દાખલ કરે છે. પરંતુ, હજીસુધી આવા કિસ્સામાં એકપણ પશુ માલિકની ધરપકડ થઇ નથી.