વડોદરા,ગ્રામ્ય વિસ્તારમાં રોડ પર દોડતા ભૂંડના કારણે અકસ્માતનો બીજો બનાવ બન્યો છે. પાદરાના ડબકા ગામ નજીક ઇજાગ્રસ્ત થયેલા બાઇક સવારનું સારવાર દરમિયાન મોત થયું છે.
પાદરા તાલુકાના મોહંમદપુરા ગામે રહેતા ૩૫ વર્ષના ગણપતભાઇ બુધરભાઇ પરમાર ગત ૨૯ મી તારીખે બાઇક લઇને જતા હતા. ડબકા ગામ નજીક રસ્તા વચ્ચે ભૂંડ આવી જતા બાઇક સ્લિપ થતા માથામાં ગંભીર ઇજા થતા સારવાર માટે વડુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ત્યારબાદ સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન આજે મળસ્કે તેઓનું મોત થયું હતું. જે અંગે વડુ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, જાંબુવા વુડાના મકાનમાં રહેતા દાજીભાઇ સોમાભાઇ પરમાર ( ઉં.વ.૬૦) તથા મદન ઝાંપા રોડ સોની વાડીમાં રહેતા દિનેશભાઇ મણીલાલ માછી ( ઉં.વ.૪૯) બે દિવસ અગાઉ ટુ વ્હિલર પર કામ માટે જતા હતા. તે દરમિયાન કાયાવરોહણથી ધનિયાવી ગામના રસ્તા પર ભૂંડ આવી જતા બંને રોડ પર પટકાયા હતા,જેમાં દાજીભાઇનું મોત થયું હતું.


