રોડ પર ગાય આવી જતા પટકાયેલો બાઇક સવાર અર્ધબેભાન
ઘરેથી જમવાનું લેવા નીકળેલો બાઇક સવાર ગાયના કારણે પટકાતા ઘાયલ
વડોદરા,રસ્તા વચ્ચે ગાય આવી જતા રોડ પર પટકાયેલા ત્રણ બાઇક સવારને ઇજા થતા તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
શહેર નજીકના આસોજ અને મંજુસર ગામની વચ્ચે ગઇકાલે રાતે નવ વાગ્યે રસ્તા વચ્ચે ગાય આવી જતા બાઇક સવાર પટકાયો હતો. તેને મોંઢા પર તથા દાઢી પર ઇજા થઇ હતી.
ગઇકાલે મોડીરાતે ડભોઇ રોડ રતનપુર ગામ નજીક ભારત પેટ્રોલ પંપની સામેથી ૪૦ વર્ષના ભૂપેન્દ્રભાઇ વસાડીયા બાઇક લઇને પસાર થતા હતા. તે સમયે રોડ પર ગાય આવી જતા તેઓ રોડ પર પટકાયા હતા. તેઓ અર્ધ બેભાન થઇ ગયા હતા.
ત્રીજા બનાવની વિગત એવી છે કે, પ્રતાપ નગર હરિઓમ નગરમાં રહેતા ૪૦ વર્ષના દુર્ગેશભાઇ હરિભાઇ રાણે ગઇકાલે બપોરે ઘરેથી જમવાનું લેવા નીકળ્યા હતા. દંતેશ્વર સ્મશાન પાસેથી બાઇક લઇને જતા હતા. તે દરમિયાન રસ્તા વચ્ચે ગાય આવી જતા તેઓ પટકાતા ઇજા થઇ હતી.