ગોરવામાં અડધો કલાકમાં બે અછોડા તોડીને બાઇક સવાર ફરાર

વડોદરા,ગોરવા વિસ્તારમાં ગઇકાલે રાતે ત્રાટકેલા અછોડા ચોર બાઇક સવાર આરોપીઓ અડધા કલાકમાં એક સિનિયર સિટિઝન અને એક મહિલાને નિશાન બનાવીને સોનાના અછોડા તોડીને ભાગી ગયા હતા. જે અંગે ગોરવા પોલીસે ગુનો દાખલ કરી સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
સુભાનપુરા મંગલ મંદિર સોસાયટીમાં રહેતા પંકજભાઇ શાંતિલાલ પટેલ ગઇકાલે મોપેડ લઇને રાતે ૧૦ વાગ્યે ઘરેથી નીકળીને પંચરત્ન એપાર્ટમેન્ટની બાજુમાં આવેલ પાનના ગલ્લા પર સીગારેટ પીવા માટે ગયા હતા. સીગારેટ પીને તેઓ ઘરે પરત આવતા હતા. તેમની સોસાયટીની બાજુમાં આવેલ અંકિતા પાર્ક સોસાયટીની નજીકથી તેઓ પરત જતા હતા. તે દરમિયાન પાછળથી બાઇક પર આવેલા બે આરોપીઓ પૈકી પાછળ બેઠેલા આરોપીએ તેમના ગળામાંથી સોનાનો દોઢ તોલા વજનનો અછોડો તોડી લીધો હતો. ત્યારબાદ તેઓ અભય નગર ચાર રસ્તા તરફ ભાગી ગયા હતા. પંકજભાઇએ આરોપીઓનો પીછો કર્યો હતો. પરંતુ, આરોપીઓ પકડાયા નહતા.
જ્યારે અન્ય એક બનાવની વિગત એવી છે કે, ગોત્રી રોડ અમીન પાર્ટી પ્લોટની અંદર સર્વન્ટ ક્વાટર્સમાં રહેતા ૨૨ વર્ષના લક્ષ્મીબેન આકાશભાઇ ચૌહાણ ગઇકાલે રાતે સવા દશ વાગ્યે ઘરેથી મોપેડ લઇને પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવવા નીકળ્યા હતા. પેટ્રોલ પંપ પર પહોંચતા જ વરસાદ શરૃ થતા તેઓ પંદર મિનિટ ઉભા રહ્યા હતા. વરસાદ ધીમો પડતા તેઓ ઘરે જવા માટે નીકળ્યા હતા. રાતે ૧૧ વાગ્યે તેઓ અમીન પાર્ટી પ્લોટ ચાર રસ્તા પાસે પાછળથી આવેલા બાઇક સવાર આરોપીઓ તેમના ગળામાંથી સોનાની દોઢ તોલા વજનની ચેન તોડીને ઝાંસીની રાણી સર્કલ તરફ ભાગી ગયા હતા.









