રાહદારીને ટક્કર મારી બાઈક ફંગોળાતા ચાલકનું મોત
- આણંદના વઘાસી ગામની સીમમાં
- ગંભીર ઈજાગ્રસ્ત રાહદારીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો
આણંદ પાસેના ગામડી ગામના પરીખ ભુવનમાં રહેતો અમિત રાકેશભાઈ વાઘેલા ગતરોજ એક ટેમ્પામાં કેરીના કેરેટો ભરી એક્ટિવા લઈ નેશનલ હાઇવે ઉપર આવેલા આણંદ તાલુકાના વઘાસી ગામની સીમમાં ગયો હતો. જ્યાં રોડની સાઈડમાં કેરેટો મૂકી વેપાર કરતો હતો.
સાંજે નાસ્તો કરવા માટે રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે પૂરઝડપે આવી ચડેલી બાઇકે તેને ટક્કર મારતા તે રોડ ઉપર પટકાયો હતો. અકસ્માતમાં માથા તેમજ શરીરના અન્ય ભાગોએ ગંભીર ઇજાઓ પહોંચી હતી. બાઈક ચાલકે પણ સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા ચાલક જીગર નરસિંહભાઈ મકવાણા (રહે. વઘાસી) રોડ ઉપર પટકાતા તેને પણ ગંભીર ઇજાઓ થઈ હતી. જેથી તેને સારવાર અર્થે તુરંત જ નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
જ્યાં જીગર મકવાણાનું મોત થયું હતું. આ બનાવ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.