જી.એસ.એફ.સી. ઓવર બ્રિજ પર અકસ્માતમાં બાઇક સવારનું મોત
રોડ રિપેરીંગના કામના લીધે એક તરફનો રોડ બંધ હોવાછતાંય બેરિકેડ લગાવાયા નથી
વડોદરા,જી.એસ.એફ.સી. બ્રિજ પર રોડ રિપેરીંગનું કામ ચાલતું હોઇ એક તરફનો રોડ બંધ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે થયેલા અકસ્માતમાં બાઇક સવારનું મોત થયું હતું. જે અંગે છાણી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
નવલખી કંપાઉન્ડમાં રહેતા રવિન્દ્ર લાલાભાઇ લોખંડે (ઉં.વ.૬૩) માંજલપુર વિસ્તારમાં ખાનગી સિક્યુરિટીમાં નોકરી કરે છે. શહેર નજીકના સોખડા ગામે સ્વામિ નારાયણ મંદિરમાં તેઓ અવાર - નવાર દર્શન કરવા માટે જતા હતા. આજે પણ તેઓ દર્શન કરવા માટે ગયા હતા. જી.એસ.એફ.સી.થી છાણી તરફ આવતા બ્રિજ પર રોડનું રિપેરીંગ કામ ચાલતું હોઇ એક તરફનો વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. પરંતુ, ત્યાં કોઇ ડિવાઇડર કે બેરિકેડ લગાવ્યા નહી હોવાથી અવાર - નવાર નાના મોટા અકસ્માતો થાય છે. રવિન્દ્રભાઇ લોખંડે ત્યાંથી પસાર થતા હતા. તે સમયે અજાણ્યા વાહન ચલાકે ટક્કર મારતા તેઓને ગંભીર ઇજા થતા સ્થળ પર જ તેઓનું મોત થયું હતું. રવિન્દ્રભાઇએ બપોરે દોઢ વાગ્યે તેમના ભત્રીજા સાથે વાતચીત કરી હતી. ત્યારબાદ સાંજ ેસાડા પાંચ વાગ્યે તેમના ભત્રીજાએ ફોન કરતા પોલીસે ફોન રિસિવ કર્યો હતો. ત્યારે અકસ્માતની જાણ થઇ.