હાઇવે પોર બ્રિજ પર ટ્રકના તોતિંગ પૈંડા બાઇક સવાર પર ફરી વળતા મોત
વાઘોડિયાના આમોદર ગામે રોડ ક્રોસ કરતા વૃદ્ધને ટ્રક ચાલકે કચડી નાંખ્યા
વડોદરા,હાઇવે પોર બ્રિજ પર બાઇક ચાલક વૃદ્ધને ટ્રક ચાલકે પાછળથી ટક્કર મારતા તેઓ રોડ પર ફંગોળાઇને પડયા હતા. ટ્રકના પૈંડા તેમના માથા પર ફરી વળતા સ્થળ પર જ તેઓનું મોત થયું હતું.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, માણેજા ઓમકાર ડૂપ્લેક્સ ટેનામેન્ટ્સ એન્ડ હોમ્સમાં રહેતા અને ખેતી કામ કરતા ૭૧ વર્ષના હસમુખભાઇ મગનભાઇ પટેલ ગઇકાલે સવારે સાડા સાત વાગ્યે ઘરેથી બાઇક લઇને નાના ફોફડિયા ખેતી માટેનું બિયારણ લઇને જતા હતા.નેશનલ હાઇવે પર વડોદરાથી કરજણ તરફ જતા પોર બ્રિજ ચડતા સમયે એક ટ્રક ચાલકે તેઓની બાઇકને પાછળથી ટક્કર મારતા તેઓ રોડ પર ફંગોળાઇને પડયા હતા. તેઓના માથા પર ટ્રકના તોતિંગ પૈંડા ફરી વળતા સ્થળ પર જ કમકમાટીભર્યુ મોત થયું હતું. વરણામા પોલીસે ગુનો દાખલ કરી ટ્રક ડ્રાઇવરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે અન્ય એક બનાવની વિગત એવી છે કે, વાઘોડિયા નજીક આમોદર ગામ તીર્થજલ સોસોયટીની સામે ગઇકાલે બપોરે બે વાગ્યે રોડ ક્રોસ કરતા ૬૦ વર્ષના સિનિયર સિટિઝનને એક ટ્રક ચાલકે અડફેટે લેતા ગંભીર ઇજા થઇ હતી. ઇજાગ્રસ્તનું સ્થળ પર જ મોત થયું હતું. અકસ્માત કરીને ભાગી છૂટેલા ટ્રક ચાલકની સામે વાઘોડિયા પોલીસે ગુનો દાખલ કરી શોધખોળ હાથ ધરી છે.