વાઘોડિયા રોડ પર બે બસ વચ્ચે ચગદાઇ જતા બાઇક સવારનું મોત
રિક્ષાને બચાવવા લકઝરી બસના ડ્રાઇવરે બ્રેક મારી પણ પાછળ આવતી સિટિ બસની બ્રેક ના વાગી
વડોદરા, વાઘોડિયા રોડ ચકાચક હોટલ નજીક બે બસની વચ્ચે બાઇક સવાર યુવક ચગદાઇ જતા મોત થયું હતું. જે અંગે કપુરાઇ પોલીસે સિટિ બસના ડ્રાઇવર સામે ગુનો દાખલ કર્યો છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ,વાઘોડિયા રોડ વૃંદાવન ચાર રસ્તા પાસે હીરાબા નગરમાં રહેતો ઉમેશ મનુભાઇ તડવી ગોત્રી ખાતે ક્રિના ઇલેક્ટ્રિક કંપનીમાં વાયર મેન તરીકે નોકરી કરે છે. આજે સવારે તે ઘરેથી બાઇક લઇને નોકરી જવા માટે નીકળ્યો હતો. વાઘોડિયા રોડ વૈકુંઠ ચાર રસ્તાથી વૃંદાવન ચાર રસ્તા તરફ જવાના રોડ પર એક રિક્ષા ચાલકને બચાવવા માટે લક્ઝરી બસના ડ્રાઇવરે બ્રેક મારી હતી. જેથી, પાછળ આવતા ઉમેશે બાઇકને બ્રેક મારી હતી. પરંતુ, ઉમેશની બાઇકની પાછળ આવતી સિટિ બસના ડ્રાઇવરે બ્રેક નહીં મારતા બે બસની વચ્ચે બાઇક સવાર ઉમેશ ચગદાઇ ગયો હતો. ગંભીર ઇજા થતા ઉમેશને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. પરંતુ, તેનું મોત નિપજ્યું હતું.