Get The App

સુરતમાં પે એન્ડ પાર્કના કોન્ટ્રાકટરોની ઉઘાડી લૂંટ : પાર્કિંગ સ્લીપના મશીન સાથે ચેડા કરી બાઈકના ભાવમાં ગડમથલ

Updated: Aug 8th, 2025

GS TEAM

Google News
Google News
સુરતમાં પે એન્ડ પાર્કના કોન્ટ્રાકટરોની ઉઘાડી લૂંટ : પાર્કિંગ સ્લીપના મશીન સાથે ચેડા કરી બાઈકના ભાવમાં ગડમથલ 1 - image


Surat : સુરત પાલિકાએ જાહેર રસ્તા પર આપેલા પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટ લોકો માટે આફત બની રહ્યાં છે. શહેરમાં અનેક જગ્યાએ પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટરો  વાહન ચાલકોને લૂંટી રહ્યા છે. પાલિકાએ બાઈકનો મીનીમમ ચાર્જ 10 રૂપિયા નક્કી કર્યો છે પરંતુ કોન્ટ્રાક્ટરો મશીન સાથે ચેડા કરીને વાહન ચાલકો પાસે ડબલ ભાવ વસુલી રહ્યા છે. આ અંગે પાલિકાને ફરિયાદ મળતા પાલિકાએ તપાસ શરૂ કરી છે. 

સુરત પાલિકાએ આવકના સ્ત્રોત માટે શહેરમાં અનેક જગ્યાએ પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટ આપ્યા છે. જોકે, પાલિકા તેમાંથી કમાણી કરી રહી છે પરંતુ મોટાભાગના પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટર સુરતના વાહન ચાલકો પાસે મન ફાવે તેમ પૈસા પડાવી રહ્યા છે. પાલિકાના સેન્ટ્રલ ઝોનમાં પાણીની ભીત પાસે પાલિકાએ પે એન્ડ પાર્કનો કોન્ટ્રાક્ટ આપ્યો છે. આ જગ્યાનો મહત્તમ ઉપયોગ ચૌટા બજાર ખાતે ખરીદી કરનાર મહિલાઓ અને આસપાસ આવતા લોકો કરે છે. આ કોન્ટ્રાક્ટ શ્રી કુબેરજી નામની સંસ્થાને આપવામાં આવ્યો છે. પરંતુ અહીના કોન્ટ્રાક્ટર લોકો પાસે વધુ પૈસા પડાવતા હોવાની ફરિયાદ બહાર આવી છે. 

પાલિકાએ પે એન્ડ પાર્કનો કોન્ટ્રાક્ટ આપ્યો છે તેની સાથે કેટલીક શરતો કરી છે. જેમાં બાઈક પાર્કિંગ માટે પહેલા ત્રણ કલાક સુધી મીનીમમ 10 રૂપિયા વસુલવાના છે. પરંતુ કોન્ટ્રાક્ટરે મશીન સાથે ચેડા કરીને મિનિમમ 20 રૂપિયા કરી રસીદ આપી દીધી છે. આ અંગે પાલિકાને ફરિયાદ મળતા પાલિકા તંત્ર એ તાત્કાલિક તપાસ હાથ ધરી છે. પાલિકા તંત્ર કહે છે બાઈક માટે પહેલા ત્રણ કલાક માટે મીનીમમ 10 રૂપિયાનો જ નિયમ છે. આ રસીદ છે તે ખોટી છે અને કોન્ટ્રાક્ટરને બોલાવી તપાસ કરવામાં આવશે. 

પાલિકાએ તપાસ હાથ ધરી છે પરંતુ પે એન્ડ પાર્કમાં અનેક ગેરરીતિઓ થઈ રહી હોવાની પણ ફરિયાદ છે. જ્યાં પે એન્ડ પાર્ક નો કોન્ટ્રાક્ટ હોય ત્યાં બોર્ડ પર પાર્કિંગ ફી દર્શાવવાની હોય છે. પરંતુ મોટાભાગના પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટમાં આ બોર્ડ લગાવતા નથી અને કોન્ટ્રાક્ટરો વાહન ચાલકો પાસે વધુ પૈસા વસુલી રહ્યા છે. આવા બોર્ડ પણ લગાવવા જોઈએ તેવી માંગણી લોકો કરી રહ્યાં છે. 

Tags :