- મૃતક બે મહિના પહેલા રોજીરોટી માટે ગુજરાત આવ્યો હતો
- યુવકની હત્યા કે આત્મહત્યા, પીએમ રિપોર્ટમાં મોતનું કારણ સ્પષ્ટ થશે : પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી
બગોદરા : બાવળા-સાણંદ હાઈવે પર આવેલી રાજ એગ્રો મિલમાં ગત રાત્રે એક શ્રમિક યુવકનો મૃતદેહ ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી છે. સાણંદના લોદરિયાળ ગામ પાસે આવેલી આ મિલમાં બિહારનો વતની બનારસી કુમાર છેલ્લા બે મહિનાથી મજૂરી કરતો હતો. ગતરોજ મિલના ધાબા પરથી તેની લટકતી લાશ મળી આવતા અન્ય કામદારોમાં ભયનો માહોલ ફેલાયો છે.
ઘટનાની જાણ થતા જ ૧૧૨, ૧૦૮ અને ચાંગોદર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે પંચનામું કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સાણંદ સિવિલ હોસ્પિટલ ખસેડયો છે. સ્થાનિક સ્તરે થતી ચર્ચા મુજબ, બનાવની આગલી રાત્રે મૃતક અને તેના સાથીદારોએ દારૂની પાર્ટી કરી હતી. અન્ય શ્રમિકોના જણાવ્યા મુજબ મૃતક યુવક ફોન પર કોઈની સાથે ઉગ્ર બોલાચાલી પણ કરી રહ્યો હતો. આ સંજોગોને જોતા તે આત્મહત્યા છે કે કોઈ અદાવતમાં થયેલી હત્યા, તે અંગે અનેક સવાલો ઉભા થયા છે. ચાંગોદર પોલીસે મિલના સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ કોલ ડિટેલ્સના આધારે વધુ તપાસ હાથ ધરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે.


