Get The App

દાગીના ચમકાવવાના બહાને સોનું સેરવી લેતી બિહારની ત્રિપુટી પકડાઈ

Updated: Jul 6th, 2025

GS TEAM

Google News
Google News
દાગીના ચમકાવવાના બહાને સોનું સેરવી લેતી બિહારની ત્રિપુટી પકડાઈ 1 - image


ગાંધીનગરમાં ત્રણ મહિલાઓને નિશાન બનાવી

એલસીબીની ટીમ દ્વારા સેક્ટર-૧૫ પાસેથી બે ભાઈ સહિત ત્રણને પકડીને ૬૦ હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો

ગાંધીનગર :  ગાંધીનગર શહેરના અલગ અલગ સેક્ટરમાં ત્રણ મહિલાઓને દાગીના ચમકાવી આપવાની લાલચ આપીને તેમની પાસેથી ૫.૫૬ લાખ રૃપિયાનું સોનું સેરવી લેવામાં આવ્યું હતું. જે સંદર્ભે ગાંધીનગર એલસીબી દ્વારા ત્રણ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે અને તેમની પાસેથી ૬૦ હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

ગાંધીનગર શહેરમાં તાજેતરમાં જ સેક્ટર ૭, સેક્ટર ૧૨ અને સેક્ટર ૧૪માં બાઈક ઉપર ફરીને ત્રણ જેટલા વ્યક્તિઓ વોશિંગ પાવડર કંપનીમાંથી આવતા હોવાનું કહીને ઘરમાં પ્રવેશ કરીને આ લિક્વિડ આપવાના બહાને દાગીના પણ ચમકાવી આપીએ છીએ તેમ કહીને મહિલાઓને છેતરતા હતા અને તેમની સોનાની બંગડીઓ ધોવાના બહાને કુલ ૫.૫૬ લાખ રૃપિયાનો સોનું શેરવી લેવામાં આવ્યું હતું. જે સંદર્ભે સેક્ટર ૭ પોલીસ મથકમાં અલગ અલગ ત્રણ ગુના દાખલ કરવામાં આવ્યા હતા. ગાંધીનગરમાં આ પ્રકારની ઘટના વધી હોવાથી જિલ્લા પોલીસવડા રવિ તેજા વાસમસેટ્ટી દ્વારા એલ.સી.બીપીઆઈ ડી.બી વાળાને સૂચના આપવામાં આવી હતી અને આ પ્રકારના ગુના અટકાવી આરોપીઓને પકડવા માટે તાકીદ કરવામાં આવી હતી. જેના અનુસંધાને એલસીબીની ટીમ આરોપીઓને શોધવા માટે મથી રહી હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, આ ગુના આચરતાં ટોળકી હાલ બાઈક ઉપર ગાંધીનગરના ફતેપુરા પાસેથી પસાર થઈ રહી છે. જેના આધારે પોલીસની ટીમ અહીં પહોંચી હતી અને ત્રણ શખ્સોને બાઈક સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. જેમાં પૂછપરછ તેઓ બિહારના પુરણીયા જિલ્લાના જીતેન્દ્ર ભેરુ મંડલ,પંકજ ભેરુ મંડલ અને અમિત ભાગવત મંડલ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે તેમની પાસેથી એક બાઈક અને ત્રણ મોબાઈલ તેમજ વાસણ અને દાગીના ધોવા માટેનું લિક્વિડ મળી કુલ ૬૦ હજાર રૃપિયાનો મુદ્દામાંલ કબજે કરવામાં આવ્યો હતો અને આ આરોપીઓની વધુ પૂછપરછ શરૃ કરવામાં આવી છે તેઓ અલગ અલગ વિસ્તારમાં ફરીને લિક્વિડના સેલ્સમેન હોવાનું કહીને ઘરમાં પ્રવેશ કરી આ પ્રકારની છેતરપિંડી કરતા હતા.

Tags :