સુરતના અડાજણમાં 24 કલાક ઓક્સિજન આપતા પીપળા સહિતના મોટા વૃક્ષો કાપી નાંખ્યા
Surat : વિશ્વ પર્યાવરણ દિવસ બાદ સુરત શહેરમાં વડાપ્રધાનના સુત્ર 'એક પેડ માં કે નામ'ને આગળ કરીને વૃક્ષારોપણ થઈ રહ્યું છે. પરંતુ સુરતમાં વડાપ્રધાનનું સૂત્ર ભુલાયું હોય તેમ મોટા મોટા વૃક્ષો એક યા બીજા બહાને હેઠળ કાપી નાખવામાં આવી રહ્યા છે. સુરતના અડાજણ વિસ્તારમાં 24 કલાક ઓક્સિજન આપતા પીપળા સહિતના કેટલાક કદાવર વૃક્ષો કાપી નાખવામાં આવ્યા હોવાની ગંભીર ફરિયાદ મ્યુનિ. કમિશનરને થઈ છે અને તપાસ કરી જવાબદારો સામે પગલાં ભરવાની માંગણી કરવામાં આવી છે.
સુરત સહિત સમગ્ર ભારતમાં વૃક્ષારોપણને પ્રોત્સાહન મળે તે માટે લોકોને લાગણી સાથે જોડવામાં આવી રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક પેડ માં કે નામ અભિયાન શરૂ કરાવ્યું છે. વડાપ્રધાને શરૂ કરાવેલું અભિયાનના કારણે અનેક વૃક્ષો રોપાઈ રહ્યા છે. પરંતુ સુરતમાં વડાપ્રધાનના સુત્રને ભુલીને મોટા વૃક્ષો વિવિધ બહાના હેઠળ કાપી નાખવામાં આવી રહ્યા છે. થોડા સમય પહેલા રાંદેર ઝોન વિસ્તારમાં દુકાનો આગળના વૃક્ષો કાપી નાખવામાં આવ્યા હતા. તેમાં પ્રતિબંધિત વૃક્ષ સાથે પર્યાવરણને મદદરૂપ થાય તેવા વૃક્ષો પણ હતા છતાં કાપી નાખવામાં આવ્યા હતા. પરંતુ પાલિકાએ કોઈ પગલાં ન ભરતા પર્યાવરણની જાળવણી થાય તેવા વૃક્ષો કાપી નાખવા માટે અચકાતા નથી. સુરત પાલિકા દ્વારા પર્યાવરણની જાળવણી માટે દર વર્ષે શહેરમાં લાખોની સંખ્યામાં વૃક્ષારોપણ કરે છે પરંતુ ત્યાર બાદ કાળજી લેતી ન હોવાથી કેટલાક તત્વો દ્વારા પાલિકાએ રોપેલા વૃક્ષોનું આડેધડ છેદન કરવામાં આવી રહ્યું છે તેમાં કેટલીક વખત પાલિકાના કર્મચારીઓ પણ વિલનની ભૂમિકા આવીને હેવી ટ્રિમિંગ કરી દેતા હોવાની ફરિયાદ થઈ રહી છે. હાલમાં અડાજણ ગુજરાત ગેસ સર્કલની બાજુમાં સંઘવી ટાવરની બહાર મોટા મોટા વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવ્યા હોવાની ફરિયાદ મ્યુનિ. કમિશ્નરને કરવામાં આવી છે.
આ ફરિયાદમાં જણાવ્યું છે કે, આ જગ્યાએ 24 કલાક ઓક્સિજન આપે તેવા પીપળાનું કદાવર વૃક્ષ પણ હતું. પરંતુ તેને પણ કાપી નાખવામાં આવ્યું છે. આટલું મોટું વૃક્ષ કાપવા માટે કોણે મંજૂરી આપી છે તે તપાસ કરી પગલાં ભરવા માંગણી થઈ રહી છે. જો આ વૃક્ષ નડતરરુપ કે જોખમી હોય તો અન્ય જગ્યાએ તેને રી-પ્લાન્ટ કરવામાં આવે તેવી રીતે આ વૃક્ષને રી-પ્લાન્ટ કરવા માટેની જરૂર હતી તો પછી તેવી કામગીરી કેમ કરવામા આવી નથી તેવા પ્રશ્નો ઉભા થયા છે. શહેરમાં કદાવર વૃક્ષો છે તેની જાળવણી કરવાના બદલે પાલિકા એક યા બીજા કારણસર કાપી રહી છે તેના કારણે પર્યાવરણ પ્રેમીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.