Get The App

કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ ભાજપમાં જોડાવાની અટકળો ફગાવી દીધી

Updated: Jan 24th, 2024

GS TEAM

Google News
Google News
કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ ભાજપમાં જોડાવાની અટકળો ફગાવી દીધી 1 - image


લોકસભા ચૂંટણી 2024 નજીક આવી રહી છે તેમ તેમ પક્ષપલટા અને રાજીનામાનો દોર શરૂ થઈ ગયો છે. હજુ થોડા દિવસ પહેલા જ ગુજરાત કોંગ્રેસના વિજાપુરના ધારાસભ્ય સી.જે. ચાવડાએ રાજીનામું આપ્યું હતું. આ દરમિયાન પોરબંદરના કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા ભાજપમાં જોડાઈ શકે તેવા અહેવાલ પણ હતા.  જો કે બાદમાં તેમણે સોશિયલ મીડિયામાં સ્પષ્ટતા કરી હતી કે  'મારા કોઈ પણ ખુલાસા વિના વિવિધ મીડિયા ચેનલોમાં મારા ભાજપમાં જોડાઈ રહ્યાની વાતો થતી હતી. તેનો કોઈ આધાર નથી. હું કોંગ્રેસમાં છું અને પક્ષનો ચૂંટાયેલો ધારાસભ્ય છું.’

અગાઉ સી.જે ચાવડાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું

ગુજરાતમાં જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ઉથપાથલ જોવા મળી રહી છે. ગુજરાતમાં ભાજપે ગઈકાલે 2024ની લોકસભાની ચૂંટણીનું રણશિંગુ ફૂક્યું હતું અને તમામ લોકસભા બેઠકના મધ્યસ્થ કાર્યાલય શરુ કર્યા હતા. ભાજપ ગુજરાતમાં ઓપરેશન લોટ્સ અંતર્ગત કોંગ્રેસ અને આપના નેતાઓને ભાજપમાં સામેલ કરી રહ્યો છે. અગાઉ કોંગ્રેસના દિગ્ગજ કહી શકાય એવા વિજાપુરનાં ધારાસભ્ય સી. જે. ચાવડાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. હવે કેસરિયા કરવાના છે ત્યારે કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયાનું નામ પણ ચર્ચામાં છે.

ઉત્તર અને મધ્ય ગુજરાતના આગેવાનો ભાજપમાં જોડાયા

ગાંધીનગરમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષની હાજરીમાં ઉત્તર અને મધ્ય ગુજરાતના આગેવાનો ભાજપમાં જોડાયા છે. તેમાં મહુધાના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રજીત ઠાકોર, સાબરકાંઠાના જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વિપુલ પટેલ, યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સુધીર પટેલ, ખેરાલુના વિનોદ ચૌધરી, સતલાસણાના જીતેન્દ્રસિંહ પરમાર, સુદાસણાના દિનેશસિંહ પરમાર, હડોલના નાગજી ઠાકોર, કપડવંજના જીગીશા પરમાર તેમજ આપના કાર્યકર્તા, નેતાઓ ભાજપમાં જોડાયા છે.

કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ ભાજપમાં જોડાવાની અટકળો ફગાવી દીધી 2 - image

Tags :