જામનગરમાં કરોડોની સરકારી જમીન પચાવી પાડવાનું મસમોટું કૌભાંડ, લેન્ડગ્રેબિંગ ઍક્ટ હેઠળ 3 શખ્સોની ધરપકડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Land Scam in Jamnagar: જામનગરમાં ભૂમાફિયાઓ પર તંત્રએ લાલ આંખ કરી છે. રણજીત સાગર રોડ પર આવેલી કરોડોની કિંમતની સરકારી ખરાબાની જમીન પચાવી પાડી, તેના ખોટા નકશા બનાવી પ્લોટ વેચી નાખવાના કૌભાંડમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. લેન્ડગ્રેબિંગ ઍક્ટ હેઠળ 6 શખસો સામે ફરિયાદ નોંધાયાના ગણતરીના કલાકોમાં જ પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે.
કરોડોની જમીન અને 66 પ્લોટનું કારસ્તાન
મળતી માહિતી અનુસાર, રણજીત સાગર રોડ પર આવેલી અંદાજે 8,586 ચોરસ મીટર સરકારી જમીન પચાવી પાડવામાં આવી હતી. પચાવી પાડવામાં આવેલી આ જમીનની હાલની બજાર કિંમત આશરે 2.80 કરોડ રૂપિયા થવા જાય છે. આરોપીઓએ આ સરકારી જમીન પોતાની માલિકીની હોવાનું દર્શાવવા ખોટા નકશા અને બોગસ દસ્તાવેજો તૈયાર કર્યા હતા. ત્યારબાદ જમીનમાં કુલ 66 પ્લોટ પાડીને ગ્રાહકોને વેચી મારી આર્થિક લાભ મેળવ્યો હતો.
આ પણ વાંચો: સુરતમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ જીવન ટૂંકાવ્યું, પતિ-પત્ની અને પુત્રએ ઝેરી દવા પીધી
3 આરોપીઓ ઝડપાયા ત્રણ ફરાર
જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં મળેલી લેન્ડ ગ્રેબિંગ કમિટીના આદેશ બાદ સીટી એ-ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. તપાસનીશ અધિકારી DySP જે.એન. ઝાલા અને તેમની ટીમે તપાસનો ધમધમાટ તેજ કરી જગદીશ ચોવટિયા, રાજેશ મારુ અને યજ્ઞેશ રાણપરિયાને ઝડપી લીધા છે.
આ કેસમાં અન્ય ત્રણ મુખ્ય આરોપીઓ મનસુખ રતીલાલ ભટ્ટી, આમદ ખફી, અને નુરમામદ ઉર્ફે ખોડુ ચાવડા હજુ પોલીસ પકડથી દૂર છે. પોલીસે આ ત્રણેયની અટકાયત કરવા માટે અલગ-અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે. ઝડપાયેલા આરોપીઓની પૂછપરછમાં આ કૌભાંડમાં અન્ય કેટલા લોકો સામેલ છે અને કેટલા નિર્દોષ લોકોએ પ્લોટ ખરીદીને છેતરાયા છે તેની વિગતો પણ બહાર આવવાની શક્યતા છે.









