બોરસદમાં તોરણાવ તળાવ પાસે પ્રા.શાળા નજીક રોડ પર મોટું ગાબડું
- તળાવના બ્યૂટિફિકેશન વખતે પાણી ધસી આવતા માટીનું ધોવાણ
- રૂા. 4.5 કરોડના ખર્ચે સુરતના ભરત એન. હિરપરાને તળાવના બ્યૂટિફિકેશનનું કામ ચાલતું હતું
બોરસદ શહેરમાં આવેલા તોરણાવ માતા તળાવનું બ્યૂટિફિકેશનનું કામ ટેન્ડરથી સુરતના ભરત એન. હિરપરાને રૂપિયા ૪.૫ કરોડના ખર્ચથી કામ સોંપવામાં આવ્યું હતું. હાલ તળાવના બ્યૂટિફિકેશનનું કામ શરૂ થઈ ગયું છે. ત્યારે ગઈકાલે થયેલા ભારે વરસાદને કારણે કામમાં વિક્ષેપ પડયો હતો. વરસાદી પાણી તળાવમાં ધસી આવતા તળાવની પાસે આવેલી કન્યાશાળાના રોડ ઉપર ૧૫ ફૂટથી પણ મોટું ગાબડું પડી ગયું છે. આ વિસ્તારનું પાણી જવા માટે કોઈ વ્યવસ્થા થઈ ન હોવાથી પાણી રોડ ઉપરથી પસાર થતા રોડ ધોવાઈ ગયો હતો અને ગાબડાને કારણે હવે બાળકોને પણ સ્કૂલે જવાનું જોખમ ઊભું થયું છે. અગાઉ પણ કન્યાશાળામાં પાણી ભરાઈ જતા બાળકોને ખૂબ જ તકલીફો થઈ હતી. ચારે બાજુથી પાણી તળાવમાં ઘૂસી ગયા હતા. ચોમાસામાં ભારે વરસાદમાં બ્યૂટિફિકેશન પાછળ વપરાયેલા કરોડો રૂપિયા પાણીમાં જાય તેવું આ વિસ્તારના લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.
જૈન દેરાસરથી તોરણાવ મંદિરના રસ્તે ઠેર ઠેર ખાડાંથી હાલાકી
બોરસદના જૈન દેરાસરથી તોરણાવ માતા મંદિર જવાના રસ્તા ઉપર ઠેર ઠેર ઊંડા ખાડાઓ પડી ગયા છે તેમજ પાણી પણ ભરાઈ રહ્યા છે અને હાલ વાહનચાલકોને વાહનો લઈને જવું પણ મુશ્કેલ બની ગયું છે આખો રોડ વરસાદના કારણે તૂટી ગયો હોવા છતાં ખાડા પૂરવાનું કામ ન થતા આ વિસ્તારના રહીશો આક્રોશ ફેલાયો છે. વિસ્તારમાં પાણીની તથા ગેસ લાઇનો ના ખોદકામ બાદ માટી પુરાણ, પેચવર્ક થયું ન હોવાથી કિચડ જોવા મળી રહ્યો છે. સોસાયટીના રહીશોને ઘરની બહાર વાહન કે ચાલીને જવું પણ મુશ્કેલ બન્યું છે.