Get The App

પંચમહાલમાં લોકોને છેતરવાનું નવું તરકટ, 'ગાંધીનગરથી બોલું છું..' કહીને આ રીતે બેન્ક ખાતું ખાલી કરી નાખે

Updated: Nov 10th, 2025

GS TEAM

Google News
Google News
પંચમહાલમાં લોકોને છેતરવાનું નવું તરકટ, 'ગાંધીનગરથી બોલું છું..' કહીને આ રીતે બેન્ક ખાતું ખાલી કરી નાખે 1 - image

Cyber Fraud in Panchmahal: પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં આંગણવાડી કેન્દ્રોના લાભાર્થીઓને નિશાન બનાવતું એક મોટું સાયબર ફ્રોડ ષડયંત્ર સામે આવ્યું છે. ઠગબાજો દ્વારા પોતાને 'આંગણવાડી કેન્દ્ર પી.એમ ઓફિસ ગાંધીનગરથી' બોલતા હોવાનું જણાવીને ભોળી પ્રજાના બેન્ક ખાતામાંથી પૈસા પડાવવામાં આવી રહ્યા છે.

ફ્રોડની મોડસ ઓપરેન્ડી 

મળતી માહિતી અનુસાર, કાલોલ તાલુકાના શામળદેવી ગામમાં આ પ્રકારની ઘટનાઓ બની છે. ફ્રોડ કરનારાઓ 9153062499 નંબર પરથી 7થી 10 જેટલા લાભાર્થીઓને કોલ કરીને તેમને જાળમાં ફસાવે છે. ફ્રોડ કરનાર ઇસમ કોલ શરૂ કરતાં જ તમારા વિસ્તારના આંગણવાડી કેન્દ્રનું નામ, લાભાર્થી મહિલાનું નામ અને આંગણવાડી સંચાલકનું નામ જેવી ચોક્કસ વિગતો આપશે, જેનાથી લાભાર્થીને વિશ્વાસ બેસે છે.

કોલ પર ઠગબાજો જણાવે છે કે, 'તમારી પત્નીની ડિલિવરી સમયે મળતા 12,500 રૂપિયાનું ફોર્મ તમે ભર્યું હતું, તે પૈસા આવી ગયા છે, પરંતુ તમે તમારી પત્નીની બેંકની વિગતો આપી નથી. ત્યાર બાદ તે તમારી પત્નીનો આધારકાર્ડ નંબર જણાવીને તેને મેચ કરવા જણાવે છે. અંતે તમારા ખાતામાં બેલેન્સ ઓછું છે અથવા અન્ય કોઈ બહાનું કાઢીને OTP (વન ટાઇમ પાસવર્ડ) માગે છે અને OTP મળતાં જ બેન્ક ખાતામાંથી પૈસા ઉપાડીને ફ્રોડ આચરે છે.

આ પણ વાંચો: દર્દીઓને અસહ્ય પીડાથી રાહત મળે એ માટે સિવિલમાં કેન્સરના દર્દીઓને દર વર્ષે અફીણની 3.50 લાખ ગોળી અપાય છે

ICDS વિભાગે કરી સ્પષ્ટતા

કાલોલ ICDS (Integrated Child Development Services) વિભાગમાં આ અંગે તપાસ કરવામાં આવતાં સ્પષ્ટ થયું છે કે, લાભાર્થીઓને સરકારી યોજનાના નામે વિભાગ તરફથી કોઈ કોલ કરવામાં આવતાં નથી. આ ઘટનાના પગલે સ્થાનિક પ્રજાને સજાગ રહેવાની અને અજાણ્યા કોલ પર બેન્કની કે આધાર કાર્ડની કોઈપણ વિગતો કે OTP ન આપવાની તાકીદ કરવામાં આવી છે.