Get The App

ગુજરાતમાં ચાઈનીઝ દોરી ઘુસાડવાનું ષડ્યંત્ર! પ્રતિબંધથી બચવા સેલવાસમાં ફેક્ટરી, 100થી વધુ ડિસ્ટ્રિબ્યુટર્સ

Updated: Jan 13th, 2026

GS TEAM

Google News
Google News
ગુજરાતમાં ચાઈનીઝ દોરી ઘુસાડવાનું ષડ્યંત્ર! પ્રતિબંધથી બચવા સેલવાસમાં ફેક્ટરી, 100થી વધુ ડિસ્ટ્રિબ્યુટર્સ 1 - image


Illegal Chinese Manja In Gujarat: ઉત્તરાયણ પૂર્વે અમદાવાદ ગ્રામ્ય પોલીસે ચાઈનીઝ દોરીના ગેરકાયદે કારોબાર સામે અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન પાર પાડ્યું છે. સેલવાસમાં ધમધમતી એક ફેક્ટરી પર દરોડો પાડી પોલીસે અઢી કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તપાસમાં ઘટસ્ફોટ થયો છે કે, ગુજરાતમાં પ્રતિબંધ હોવાથી આરોપીએ સેલવાસને પોતાનું મેન્યુફેક્ચરિંગ હબ બનાવ્યું હતું.

MBA ડિગ્રીધારક બન્યો ‘મોતનો સોદાગર’

અમદાવાદ ગ્રામ્ય એસ.પી. ઓમપ્રકાશ જાટના જણાવ્યા અનુસાર, પોલીસે વાપીથી વિરેન પટેલ નામના શખસની ધરપકડ કરી છે. વિરેન પટેલ મૂળ રાજકોટના ગોંડલના મોવિયા ગામનો વતની છે અને તેણે MBA સુધીનો અભ્યાસ કર્યો છે. વર્ષ 2011માં તેણે વાપીમાં ટેક્સટાઇલ ફેક્ટરી શરૂ કરી હતી, પરંતુ ચાઈનીઝ દોરીમાં મળતા મંગી નફાને કારણે તેણે 2022માં સેલવાસમાં 'નોવાફીલ' નામની કંપની શરૂ કરી.

સેલવાસમાં ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ ન હોવાનો લાભ લઈ તે ફિશિંગ નેટ અને બ્રશ બનાવવાની આડમાં ઉત્તરાયણના 5 મહિના પહેલાથી જ દોરીનું ઉત્પાદન શરૂ કરી દેતો હતો.

આ પણ વાંચો: ગુજરાતમાં ગેરકાયદે ખનીજ વહન કરતાં વાહનો ઝડપાયા તો 30 દિવસ સુધી નહીં છૂટે, સરકારે નિયમ કડક કર્યાં

ગુજરાતમાં 100થી વધુ ડિસ્ટ્રિબ્યુટર્સનું નેટવર્ક

પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે વિરેન પટેલે માત્ર ગુજરાત જ નહીં, પરંતુ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને દિલ્હીમાં પણ પોતાની સપ્લાય ચેઈન બનાવી હતી. રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં 100થી વધુ ડિસ્ટ્રિબ્યુટર્સ વિરેન પાસેથી માલ ખરીદતા હતા. પોલીસે આ તમામની યાદી તૈયાર કરી છે અને સંબંધિત જિલ્લા પોલીસને કાર્યવાહી કરવા જાણ કરી છે. પોલીસે ફેક્ટરીમાંથી દોઢ કરોડની દોરી, મશીનરી સહિત કુલ 2.50 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

અમદાવાદ ગ્રામ્ય પોલીસની મોટી સિદ્ધિ

સાણંદ, બાવળા અને બગોદરા જેવા વિસ્તારોમાં નોંધાયેલા ગુનાઓની કડી મેળવતા પોલીસ છેક સેલવાસ સુધી પહોંચી હતી. ચાલુ વર્ષે અમદાવાદ ગ્રામ્ય પોલીસે વિશેષ ડ્રાઇવ હેઠળ અત્યાર સુધીમાં કુલ 3 કરોડ રૂપિયાની કિંમતની 53 હજારથી વધુ ચાઈનીઝ દોરીની રીલ જપ્ત કરી છે.

કેવી રીતે ચાલતો હતો ખેલ?

ફિશિંગ નેટ (માછલી પકડવાની જાળી) ના નામે કાચો માલ લાવી તેમાંથી અત્યંત જોખમી દોરી બનાવવામાં આવતી. તેને ફિશિંગ નેટની દોરી તરીકે દર્શાવીને ટેક્સની ચોરી સાથે ટ્રાન્સપોર્ટ કરવામાં આવતી. ઉત્તરાયણની માંગને પહોંચી વળવા તે ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિનાથી જ સ્ટોક તૈયાર કરવાનું શરૂ કરી દેતો હતો. પોલીસને શંકા છે કે સેલવાસમાં વિરેનની અન્ય ફેક્ટરીઓ પણ હોઈ શકે છે, જે દિશામાં હાલ તપાસ તેજ કરવામાં આવી છે.