Get The App

સ્માર્ટસીટી બન્યુ ભુવા સીટી, અમદાવાદમાં તેર સ્થળે ભુવા પડયા રોડ ઉપરના ખાડા હમણાં નહીં પુરાય

ખાડીયા, જોધપુર, વાસણા ઉપરાંત નારણપુરા, વસ્ત્રાલ, ઓઢવમાં ભુવાના સમારકામની ચાલી રહેલી કામગીરી

Updated: Jul 1st, 2025

GS TEAM

Google News
Google News
સ્માર્ટસીટી બન્યુ ભુવા સીટી, અમદાવાદમાં તેર સ્થળે ભુવા પડયા  રોડ ઉપરના  ખાડા હમણાં નહીં પુરાય 1 - image


અમદાવાદ,સોમવાર,30 જુન,2025

અમદાવાદમાં  એક મહીનામાં પડેલા પંદર ઈંચ વરસાદમાં જ સ્માર્ટસીટી ભુવા સીટી બની ગયુ છે. ખાડીયા, જોધપુર,વાસણા ઉપરાંત નારણપુરા, વસ્ત્રાલ અને ઓઢવ સહિત તેર સ્થળે ભુવા પડયા છે.જેના સમારકામની કામગીરી ચાલી રહી છે. શહેરમાં પડી રહેલા વરસાદના પગલે રોડ ઉપરના ખાડા વરસાદ બંધ રહયા પછી જ પુરાશે. કયા વિસ્તારમાં  રોડ ઉપર કેટલા ખાડા પડયા છે એ અંગે હજી સુધી કોર્પોરેશન તરફથી કોઈ પ્રાથમિક ગણતરી પણ શરુ કરાઈ નથી. રોડ ઉપર પડેલા ખાડા નહીં પુરાવાના કારણે વાહનચાલકો અને સ્થાનિક રહીશોની મુશ્કેલીમાં વધારો થશે.

૨૯ મેના રોજ અમદાવાદમાં વરસાદની શરુઆત થઈ હતી. એક મહીનાના સમયમાં તેર સ્થળે ભુવા પડયા છે. કોર્પોરેશનની વ્યાખ્યા પ્રમાણે  ડ્રેનેજ કે પાણીની લાઈન ઉપર ખાડા પડે તેને ભુવા ગણવામાં આવે છે. રોડ ઉપર પડતા ખાડાને રોડ સેટલમેન્ટમાં ખપાવી દેવામા આવે છે.એક મહીનાના સમયમાં વિવિધ વિસ્તારમાં  પડેલા ભુવાની સંખ્યા બતાવાય છે એ કરતા વધુ છે. પરંતુ નબળી કામગીરી અને ભ્રષ્ટાચારને છુપાવવા ભુવાની સંખ્યા પણ ઓછી બતાવાઈ રહી હોવાનુ આધારભૂતસૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.સતત ઝરમર વરસી રહેલા વરસાદને કારણે શહેરમાં એક પણ રોડ એવો નથી કે જયાં રોડ ઉપર ખાડા પડયા ના હોય. આમ છતાં હજી સુધી ચોકકસ કયા વિસ્તારમાં આવેલા રોડ ઉપર કેટલા ખાડા પડયા એનો કોઈ સર્વે કરવામા આવ્યો નથી.રોડ કમિટીના ચેરમેન જયેશ પટેલે કહયુ, વરસાદ ચાલુ રહેવાથી હાલમાં  રોડ ઉપર પેચવર્ક સહિતની તમામ કામગીરી બંધ છે.ખાડા પુરવાની કામગીરી પણ વરસાદ બંધ થાય એ પછી જ શકય બનશે.નિકોલથી લઈ ઠકકરબાપાનગર સુધીનો બે કિલોમીટરનો રોડ હોય કે પછી એસ.જી.હાઈવે સર્વિસ રોડ  સહીતના અન્ય રસ્તા હોય કે જયાંથી રોજબરોજ મોટી સંખ્યામાં વાહન ચાલકો પસાર થતા હોય છે. આ તમામની સુરક્ષા કે સલામતીની ચિંતા કોર્પોરેશનના વહીવટી તંત્ર કે સત્તાધીશોને હોય એમ દેખાતુ જ નથી.

વેજલપુરમાં શ્રીનંદનગર, મકરબા, નિકોલમાં મધુમાલતી આવાસ યોજનામાં વરસાદી પાણી ભરાશે

ડ્રેનેજ પ્રોજેકટ વિભાગ દ્વારા સરખેજ વોર્ડમાં રુપિયા ૩૬.૨૭ કરોડના ખર્ચે રોપડા તળાવ, શ્રીનંદનગરથી સાબરમતી નદી સુધી સ્ટ્રોમ વોટરલાઈન નાખવા,મકરબા ટોરેન્ટ પાવર સબસ્ટેશનથી અંબરટાવર સુધી રુપિયા ૪૬.૪૨ કરોડના ખર્ચે ડ્રેનેજ લાઈન નાંખવા તેમજ નિકોલમાં આવેલા મધુમાલતી આવાસમાં રૃપિયા ૯.૯૩ કરોડના ખર્ચે સ્ટ્રોમવોટરલાઈન નાંખવાની કામગીરી શરુ કરાઈ હતી. આ કામગીરી  પુરી થતા હજુ છ મહીનાનો સમય લાગશે. આ કારણથી આ ચોમાસામા આ તમામ વિસ્તારમાં વરસાદી પાણી ભરાશે.

કેચપીટ સફાઈ પાછળ ત્રણ કરોડનો ખર્ચ છતાં વરસાદી પાણી ભરાયા

અમદાવાદમાં  વરસાદી પાણીના નિકાલ માટે બનાવાયેલી ૬૦ હજારથી વધુ કેચપીટ  બે વખત સાફ કરાવવા રુપિયા ત્રણ કરોડથી પણ વધુની રકમનો ખર્ચ કરાયો હતો.ત્રીજી વખત કેચપીટની સફાઈ થાય એ પહેલા જ વરસાદ આવી જતા તમામ કેચપીટ ઉપર લગાવવામા આવેલા પ્લાસ્ટિકના કવર ખોલી તેમાંથી વરસાદી પાણીનો નિકાલ કરાવવાની કોર્પોરેશનને ફરજ પડી હતી.

ચાર વર્ષમાં શહેરમાં ૩૧૯ ભુવા પડયા

ઝોન    ભુવાની સંખ્યા

ઉત્તર   ૨૮

પશ્ચિમ  ૪૯

પૂર્વ    ૪૦

દક્ષિણ  ૫૬

મધ્ય   ૫૦

દ.પ.   ૩૩

ઉ.પ.   ૬૩

ભુવાના સમારકામની કામગીરી ચાલતી હોય તેવા સ્થળ

૧.સરકીવાડની પોળ, ખાડીયા

૨.હિલટન રેસીડેન્સી,જોધપુર

૩.એપીએમસી ક્રોસરોડ,વાસણા

૪.એચડીએફસી બેન્ક,નારણપુરા

૫.વસ્ત્રાલ પોલીસ ચોકી પાસે

૬.જેસલપાર્ક સોસાયટી પાસે, ઓઢવ

૭.જાનવી આકેર્ડ પાસે,ઓઢવ

રોડ સેટલમેન્ટ કયાં-કયાં?

૧.શ્યામ વાટીકા સામે, ઠકકરબાપાનગર

૨.શુકન ક્રોસરોડ,ઠકકરબાપાનગર

૩.સૌરભ ગાર્ડન પાસે,નવરંગપુરા

૪.વલ્લભનગર પાસે,ઈન્દ્રપુરી

૫.ટંકાર-૩ પાસે, વટવા

Tags :