Get The App

ભૂતાનના લોકસંગીતના સાત સૂરોનું પહેલી વખત વડોદરામાં નામકરણ

Updated: May 17th, 2025

GS TEAM


Google News
Google News
ભૂતાનના લોકસંગીતના સાત સૂરોનું પહેલી વખત વડોદરામાં નામકરણ 1 - image

વડોદરાઃ નાનકડા પણ રળિયામણા અને ખૂબસૂરત  પાડોશી દેશ ભૂતાનમાં જીડીપીને નહીં પરંતુ હેપીનેસ ઈન્ડેક્સને મહત્વ આપવામાં આવે છે.હેપીનેસ ઈન્ડેક્સમાં ભૂતાનના લોકસંગીતનું  આગવું સ્થાન છે.સૈકાઓથી ગવાતા લોકગીતો અને સંગીતના સાધનો ભૂતાનના કલાકારોને એક પેઢીથી બીજી પેઢીને વારસામાં મળતા રહ્યા છે.

આ વારસાનું પહેલી વખત પધ્ધતિસર ડોક્યુમેન્ટેશન કરવાનું બીડું ભૂતાનના જાણીતા સંગીતકાર- ગાયક સોનમ દોરજીએ ઝડપ્યું છે.સાથે સાથે ભૂતાનના લોકસંગીતનો પાયો ગણાતા સાત સૂરોનું પણ સોનમ દોરજીએ નામકરણ કર્યું છે અને આ નામકરણ વડોદરામાં થયું છે.

સોનમ દોરજીએ  એમ.એસ.યુનિવર્સિટીની પરફોર્મિંગ આર્ટસ ફેકલ્ટીના ઈન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિક વિભાગના અધ્યાપક ડો.રાહુલ બરોડિયાના હાથ નીચે આ માટેનું પીએચડી સંશોધન પૂર્ણ કર્યું છે.ડો.રાહુલ બરોડિયા અને સોનમ દોરજીનું કહેવું છે કે, ભારતમાં સંગીતના સાત સૂરો છે અને તેને સા, રે, ગા, મ, પ, ધ, નિ....  તરીકે ઓળખવામાં આવે છે.અત્યાર સુધી ભૂતાનમાં લોકસંગીતના સાત સૂરોને આવી કોઈ ઓળખ મળી નહોતી.અમે  ડોક્યુમેન્ટેશનના ભાગરુપે ભૂતાનના સાત સૂરોને  ઓમ, મા, ની, પા, મી, હુ,  થી.....એવી ઓળખ આપી છે.જે પવિત્ર બૌધ્ધ મંત્રોચ્ચાર પર આધારિત છે.આમ ભૂતાનના સંગીતના સાત સૂરોને પહેલી વખત નામ મળ્યું છે.સોનમ દોરજી અને ડો.બરોડિયાના કહેવા પ્રમાણે આ સંશોધનના ભાગરુપે ભૂતાનના સંગીતમાં ઉપયોગમાં લેવાતા ૧૨૦ જેટલા વાદ્યોનું ભારતના મહાન ગ્રંથ ભરત નાટયશાસ્ત્ર પ્રમાણે ચાર કેટેગરીમાં વર્ગીકરણ કરીને ડોક્યુમેન્ટેશન પણ કરવામાં આવ્યું છે.ભૂતાનના લોકસંગીતને શીખવા માગતી  ભાવિ પેઢી માટે આ ડોક્યુમેન્ટેશન જ્ઞાાનનો ખજાનો પૂરવાર થશે.

૨૦૦૮માં પરફોર્મિંગ આર્ટસમાંથી  સિતારમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી 

સોનમ દોરજીનો વડોદરા સાથેનો નાતો જૂનો છે.તેમણે ૨૦૦૮માં પરફોર્મિંગ આર્ટસ ફેકલ્ટીમાંથી સિતારમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી.ભૂતાનની રાજાશાહી સરકાર દ્વારા તેમની હાલમાં ભૂતાનના સાંસ્કૃતિક એમ્બેસેડર તરીકે નિમણૂક કરવામાં આવી છે.સ્થાનિક લોક સંગીત અને બૌધ્ધ ધર્મના સંગીતમાં તેઓ નિપૂણતા ધરાવે છે.સોનમ દોરજી ત્રણ વર્ષ પહેલા ફેકલ્ટીના અધ્યાપક ડો.રાહુલ બરોડિયાના સંપર્કમાં આવ્યા હતા અને તે વખતે તેમણે ભૂતાનના લોકસંગીતના વ્યવસ્થિત ડોક્યુમેન્ટેશન કરવાના પ્રોજેકટ પર કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.ડો.બરોડિયાએ તેમને પરફોર્મિંગ આર્ટસ ફેકલ્ટીમાં આ જ વિષય પર પીએચડી કરવા માટે સલાહ આપી હતી.એ પછી સોનમ દોરજીએ પીએચડી કરવા માટે એમ.એસ.યુનિવર્સિટીમાં પ્રવેશ લીધો હતો.

ભૂતાનના લોકસંગીતમાં કયા વાદ્યોનું ચલણ 

ડ્રેનયેનઃ એક પ્રકારનું તંતુ વાદ્ય છે.જેમાં ૬ કે સાત ટ્રિંગ હોય છે.તેનો એક છેડો સમુદ્રના દૈત્યના આકારનો હોય છે.જે દુષ્ટ આત્માઓને દૂર રાખે છે તેવી માન્યતા છે.મોટાભાગના લોકસંગીતમાં તેનો ઉપયોગ થાય છે

ચિવાંગઃ એક પ્રકારની વાંસળી છે પરંતુ તેના પર બે તાર હોય છે.ચિંવાગ અશ્વનું પ્રતિક છે અને દુખ દર્દને વ્યક્ત કરતા લોકસંગીતમાં તેનો ઉપયોગ થાય છે.

ડુંગચેનઃ ટ્રમ્પેટ જેવું જ ઈન્સ્ટ્રુમેન્ટ હોય છે અને તેનો ઉપયોગ બૌધ્ધ મઠોમાં યોજાતી ધાર્મિક વિધિઓમાં કરવામાં આવે છે.મેડિટેશન માટે પણ તે મદદરુપ થાય છે

નગાઃ પરંપરાગત ડ્રમ છે અને તે લાકડા અને પ્રાણીઓના ચામડામાંથી બનાવાય છે.જેનો ઉપયોગ વિવિધ પ્રકારના તહેવારો, નૃત્યો અને ધાર્મિક વિધિઓ માટેના સંગીતમાં થાય છે.

પરફોર્મિંગ આર્ટસ વિષય પર પીએચડી કરનાર ભૂતાનના પહેલા નાગરિક 

સોનમ દોરજી ભૂતાનના એવા પહેલા વ્યક્તિ બન્યા છે જેમણે ભૂતાનના લોકસંગીત અને તેના વાદ્યોનું આટલું વ્યવસ્થિત ડોક્યુમેન્ટેશન કર્યું છે અને પરફોર્મિંગ આર્ટસના વિષય પર પીએચડી કર્યું છે.ભૂતાનમાં આજે પણ લોકસંગીત વ્યવસ્થિત રીતે વર્તમાન શિક્ષણ પધ્ધતિથી ભણાવાતું નથી.ભૂતાનમાં પરફોર્મિંગ આર્ટસનું શિક્ષણ આપતી કોઈ સ્કૂલ કે કોલેજ નથી ત્યારે તેમણે પીએચડી સંશોધનના ભાગરુપે પરફોર્મિંગ આર્ટસનું શિક્ષણ આપી શકાય તે માટેનું માળખું તૈયાર કરી દીધું છે.

વાઈવામાં એક્સપર્ટે પંડિત ભાતખંડેજીનો ઉલ્લેખ કર્યો 

સોનમ દોરજીએ પીએચડી થિસિસ સબમિટ કર્યા બાદ તાજેતરમાં તેમનો વાઈવા લેવામાં આવ્યો હતો.વાઈવા લેવા માટે આવેલા એક્સપર્ટે તેમના કામથી પ્રભાવિત થઈને એવી ટિપ્પણી પણ કરી હતી કે, પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડેજીએ જે કામ ભારતીય શાસ્ત્રીય સંગીત માટે કર્યું છે તેટલું જ મહત્વનું કામ સોનમ દોરજીએ ભૂતાનના લોકસંગીત માટે કર્યું છે.ઉલ્લેખનીય છે કે, પંડિત ભાતખંડેજીએ હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત પર પહેલો આધુનિક ગ્રંથ લખ્યો હતો.

ચીન અને અમેરિકાની યુનિ.ની ઓફર ઠુકરાવી 

સોનમ દોરજીને  ચીન અને અમેરિકાનીક ેકેટલીક યુનિવર્સિટીઓએ પણ ડોક્યુમેન્ટેશન પ્રોજેકટ માટે પોતાને ત્યાં પીએચડી કરવા માટે ઓફર કરી હતી પરંતુ અગાઉ વડોદરામાં અભ્યાસ દરમિયાન સોનમ દોરજીને વડોદરા સાથે લગાવ થઈ ગયો હતો અને તેના કારણે તેમણે પરફોર્મિંગ આર્ટસ ફેકલ્ટીમાંથી જ પીએચડી કરવાનુ પસંદ કર્યું હતું.

ભૂતાનમાં લોકસંગીત સાથે જોડાયેલા ૧૨૨ કલાકારો 

ભૂતાનમાં લોકસંગીતમાં ૧૨૨ જેટલા વ્યવસાયિક અને બિન વ્યવસાયિક કલાકારો પરફોર્મ કરે છે.સોનમ દોરજીએ તેમના પણ ઈન્ટરવ્યૂ લીધા હતા અને તેઓ ભૂતાનમાં તેઓ કેવી રીતે રહે છે અને તેમની આર્થિક સ્થિતિ શું છે તેનું પણ ડોક્યુમેન્ટેશન કર્યું છે.


Tags :