For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગુજરાતઃ ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલ બન્યા ગુજરાતના નવા મુખ્યમંત્રી

Updated: Sep 12th, 2021

Article Content Image

- ભાજપે ફરી એક વખત તમામ અટકળો ખોટી પાડી અને એક નિર્વિવાદ ચહેરાને ગુજરાતનું સુકાન સોંપ્યું

- ભાજપે ફરી એક વખત પાટીદાર નેતાને સોંપી ગુજરાતની કમાન

નવી દિલ્હી, તા. 12 સપ્ટેમ્બર, 2021, રવિવાર

ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામ પર પસંદગીની મહોર મારવામાં આવી છે. તેઓ અમદાવાદની ઘાટલોડિયા બેઠકના ધારાસભ્ય છે. તેઓ ભાજપના એક સાદગીભર્યા અને જમીની સ્તરના કાર્યકર છે અને આનંદીબેન પટેલના નજીકના ગણાય છે. ભૂપેન્દ્ર પટેલ ઔડાના ચેરમેન રહી ચુક્યા છે અને એએમસીના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ રહી ચુક્યા છે. 

ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત બાદ વિજય રૂપાણીએ પોતાના સંબોધનમાં તેમને શુભકામનાઓ પાઠવી હતી. સાથે જ ભૂપેન્દ્રભાઈ એક સરળ અને સૌમ્ય વ્યક્તિ છે તેમ જણાવી તેમની કામગીરી વિશે ટૂંકો અહેવાલ આપ્યો હતો. વિજય રૂપાણીએ ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં વડાપ્રધાનની વિકાસ યાત્રા સોળે કળાએ ખીલશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સાથે જ ગુજરાતના મુખ્યમંત્રી પદને વિક્રમાદિત્યનું સિંહાસન ગણાવ્યું હતું.

ભૂપેન્દ્ર પટેલ 2017માં પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા અને કડવા પાટીદાર સમાજમાંથી આવે છે. તેમણે ઘાટલોડિયામાં સૌથી વધારે લીડ સાથે વિજય મેળવ્યો હતો. 

વિજય રૂપાણીએ રાજીનામુ આપ્યું ત્યારથી દરેક લોકોના મનમાં એક જ સવાલ હતો કે, ગુજરાતના નવા મુખ્યમંત્રી કોણ બનશે? આ ઉપરાંત નવા મંત્રી મંડળમાં કયા કયા નેતાઓને સ્થાન આપવામાં આવશે તેને લઈને પણ વિવિધ અટકળો થઈ રહી હતી. રવિવારે બપોરના સમયે કાર્યકારી મુખ્યમંત્રી વિજય રૂપાણી, કાર્યકારી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમડ સી.આર. પાટીલ કમલમ ખાતે પહોંચ્યા હતા અને ભાજપના કોર ગ્રુપની બેઠક યોજાઈ હતી. ત્યાર બાદ ધારાસભ્ય દળની બેઠકમાં પુરૂષોત્તમ રૂપાલાએ સંબોધન કર્યું હતું. 

Gujarat