117 પ્રકારના 4 લાખથી વધુ વૃક્ષો ધરાવતું વિશ્વનુંં સૌથી વિશાળ ભુજનું ' મિયાવાકી જંગલ'
ભુજીયા ડુંગરની ગોદમાં બનેલું જંગલ ગ્લોબલ વેલનેસની મહત્વની થેરાપી 'ફોરેસ્ટબાથ' માટે બન્યું પ્રચલિત
નિયમિત અનેક નાગરિકો તથા પર્યાવરણપ્રેમીઓ દરરોજ વન સ્નાન કરવા અહીં આવી શારીરિક અને માનસિક સ્વાસ્થયને સુદ્ઢ કરી રહ્યા છે
ત્રણ ફેઝમાં કુલ 40 લાખ વૃક્ષોનું વાવેતર કરીને જંગલને વધુ વિશાળ અને ગાઢ બનાવાશ
ભુજના ભુજીયા ડુંગરમાં ભૂકંપના દિવગંતોની યાદમાં બનેલા સ્મૃતિ વન સાથે ઉભું કરાયેલું વિશ્વનુ સૌથી મોટું 'મિયાવાકી વન' ભુજ- કચ્છવાસીઓ તથા ટૂરીસ્ટો એક થેરાપી વન તરીકે ઉભર્યું છે. અહીં પ્રથમફેઝમાં વાવેલા ૧૧૭ પ્રકારના ૪ લાખથી વધુના વૃક્ષો, છોડ વગેરે તન અને મનને નવી ઊર્જા પ્રદાન કરનાર છે. એકનવી ઇકો કોલોની આકાર પામતા આ સ્થળ 'ફોરેસ્ટ બાથ' માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
વર્ષ ૨૦૨૧ થી વર્ષ ૨૦૨૩ સુધી આ વનમાં સરકાર અને ખાનગી સંસ્થા, કંપનીઓના સહિયારા પ્રયાસથી પ્રથમ ફેઝમાં ૫ લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કરાઇ ચુક્યું છે. જયારે બાકીના બે ફેઝ મળીને કુલ ૪૦ લાખ વૃક્ષો ભુજીયાની ગોદમાં ઉછેરીને ઘટાદાર જંગલ ઉભું કરાશે.
વિશ્વના સૌથી વિશાળ મિયાવાકી આ વનની ખાસિયત એ છે કે, આ વનમાં ફળાઉ વૃક્ષોથી માંડીને ઔષધીય છોડ, ફૂલોના છોડ તથા અન્ય તમામ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરાયું છે. કુલ મળીને ૧૧૭ પ્રકારના વૃક્ષોની જાતનો ઉછેર કરવામાં આવી રહ્યા છે. જેમાં આમળા, નાગ ચંપા, સપ્તપર્ણી, ગુલમહોર, બ્લેક જામુંન, સેતુર, શરૂ, ગરમાળો, કંદમ, સિસમ, ખાટી આંબલી, બેહડા, નીમ, પેરૂ, મેંગો, બામ્બુ સીતાફળ, દાડમ, કરંજ, બંગાળી બાવળ, સરગવો, કાજુ, બદામ, રાયણ, સિંદુર, પારીજાત, લીબુ, પલાશ, બિલ્વ પત્ર, અર્જૂન, મહોંગની, રામફળ, લક્ષ્મણ ફળ, લેમન ગ્રાસ, જેકફ્ટ, પીપળો, મલબાર નીમ, રૂદ્રાક્ષ વગેરે પ્રકારના વૃક્ષો હાલ મિયાવાકી વનની શોભા વધારી રહ્યા છે. આગળના બે ફેઝમાં પણ આ પ્રકારના વૃક્ષોનું રોપણ કરીને જંગલ વિસ્તારને વધુ ગાઢ બનાવાશે.
જાપાનના ૯૧ વર્ષીય બોર્ટનિસ્ટ ડો. અકીરા મિયાવાકીએ ૪૦ વર્ષ પહેલા આ ટ્રીક વિકસાવી હતી. આ ટ્રીકની મદદથીવિશ્વના અનેક દેશમાં વન ઉભા કરાયા છે. ત્યારે સરહદી કચ્છમાં પણ પર્યાવરણને અનુકૂળ સ્થિતી ઉભી કરવા વડાપ્રધાનએ ભુજ સ્મૃતિવન ખાતે મિયાવાકી વન ઉભું કરવાની વિચારણા કરી હતી. જેના પરિણામે આજે અહીં ૪ લાખથી વધુ વૃક્ષો લહેરાઇ રહ્યા છે અને હજુપણ ડુંગરાળ વિસ્તારમાં ગાઢ વન બનાવવાની પ્રક્રિયા ચાલુમાં છે.
આ અંગે ભુજીયાની ગોદમાં મિયાવાકી જંગલ તૈયાર કરનાર ડો. આર.કે.નૈયર જણાવે છે કે, દોઢ વર્ષમાં આ વન તૈયાર થયા બાદ અહીંના વિસ્તારમાં ૬ થી ૭ ડીગ્રી તાપમાન ઓછું જોવા મળે છે. ડોક્ટર સામાન્ય રીતે આરોગ્ય સુધારા માટે માસમાં એકવખત ફોરસ્ટબાથ લેવાનું કહેતા હોય છે ત્યારે કચ્છમાં તૈયાર થયેલા આ વનમાં ૮ કિ.મીનો વોક-વે બનાવાયો છે. જેમાં અનેક લોકો મોર્નિંગ અને ઇવનીંગ વોક કરીને સ્વાસ્થય સુધારી રહ્યા છે. કાર્બન મુક્ત વાતાવરણના કારણે અહીંનું વાતાવરણ પ્રફુલ્લિત કરનારું છે. અહીં વન વચ્ચે બનેલા ૫૦ ચેકડેમમાં વરસાદના પાણીના સંગ્રહથી તેમાં કુદરતી રીતે માછલી તથા કાચબા પણ જોવા મળ્યા છે.
'ફોરેસ્ટ બાથ' થેરાપી આખુ સપ્તાહ કામના તણાવથી ઝુઝતા કે ડિપ્રેશનનો શિકાર લોકો માટે સુખકારક છે. જે રીતે પાણીના સ્નાનથી શરીરનો થાક હળવો થાય છે તે રીતે આ વનવોકથી માનસિક સ્નાન થાય છે. નિયમિત પ્રકૃતિ વચ્ચે રહેવાથી માનસિક તમામ તણાવથી મુક્તિ સાથે શારીરિક પીડામાં પણ ફેર પડે છે.
વન સ્નાન જિંદગીમાં તણાવ અને પ્રેશરથી છૂટકારો મેળવવા માટે ફાયદાકારક
વન સ્નાનનો અભ્યાસ વયસ્ક અને બાળકો તમામને લાભપ્રદ છે. આ અંગે પર્યાવરણવિદ્ જણાવે છે કે, પોતાની તમામ ઈન્દ્રિયોથી વનના વાતાવરણને ગ્રહણ કરવાના અનુભવને વન સ્નાન કહેવાય છે. આ માત્ર જંગલમાં ટહેલવું નહીં પરંતુ જંગલના દ્રશ્યો,ધ્વનિ અને ગંધ વગેરેને સચેત અને ચિંતનશીલતા સાથે મહેસુસ કરવાનો અભ્યાસ છે. આ અભ્યાસ ૧૯૮૦ના દશકામાં જાપાનમાં વિકસિત કરવામાં આવ્યો હતો. તેને જાપાને રાષ્ટ્રીય સ્વાસ્થય કાર્યક્રમનો ભાગ પણ બનાવ્યો હતો. એક સંશોધન અનુસાર વન વાતાવરણના કારણે રક્તચાપ,હૃદયની ગતિ અને હાનિકારક હોર્મોનના સ્તરને ઓછો કરે છે. ફોરેસ્ટ બાથ પ્રકૃતિ દ્વારા આપવામાં આવેલો ઉપહાર છે. ડિપ્રેશન,તણાવ, ચિંતા, એન્ઝાઈટી અને ડાયાબિટીજ મેલેટસ જેવી અનેક સમસ્યાઓમાં ફોરેસ્ટ બાથિંગ વરદાન સમાન છે. મુડને સારું કરવામાં અને સકારાત્મકતા વધારવામાં વન સ્નાન થેરાપી કારગર છે. શરીરની ઈમ્યૂન સિસ્ટમને વધારે છે. એડીએચડી વાળા બાળકો માટે વન સ્નાન ફાયદાકારક છે. એક રીતે, આ થેરાપી ભાગદોડભરી જિંદગીમાં તણાવ અને પ્રેશરથી છૂટકારો મેળવવા માટે ફાયદાકારક છે.
હાલના સમયમાં લોકો ૯૦ ટકા સમય ઘરની અંદર વિતાવે છે. કોવિડ-૧૯ મહામારી બાદ દરેક વ્યકિત દિવસનો મોટાભાગનો સમય મોબાઇલને આપી રહ્યો છે. લોકોનો સ્ક્રીન ટાઇમ વધી ગયો છે. કામ દરમિયાન પણ લોકો ઇલેકટ્રોનિક ડિવાઇસના સતત સંપર્કમાં રહેતા હોય છે. જેના પરિણામ સ્વરૂપે ટેકનોસ્ટ્રેસ નામક નકારાત્મક તણાવ ઉભો થાય છે. લોકોમાં માથાનો દુખાવો, થાક, ઓછી નીંદર તથા વધુ ચિંતા સહિતની સમસ્યા વધી ગઇ છે. આ બધી સમસ્યાના કારણે બ્લડપ્રેસર, ડાયાબિટીસ તથા હૃદય રોગ સહિતના ગંભીર રોગ વધી રહ્યો છે.
આરોગ્ય નિષ્ણાંતો અનુસાર વન સ્નાન કેવી રીતે કરવું ?
ઇલેકટ્રોનિક ડીવાઇસ બંધ કરીને સચેત રહેવું, ધીમા ચાલવું જેથી જંગલને વધારે નજીકતાથી જોઇ અને મહેસુસ કરી શકાય, ઉંડો શ્વાસ લેવો, શ્વાસ અંદર લેવાના સાપેક્ષે બહાર બેગણી ઝડપથી શ્વાસ છોડવો, જેથી શરીરને સંદેશ મળી શકે તે તે આરામ કરી શકે છે, આસપાસની પ્રકૃતિની ચીજોની સુંગંધ લ્યો, તમામ ઈંદ્રિયોનો ઉપયોગ કરીને આસપાસના વાતાવરણને મહેસુસ કરો, વધુમાં વધુ સમય વૃક્ષો વચ્ચે રહો.