Get The App

ભુજ : સ્વતંત્ર શાળાની મંજૂરી ન મળતા ભારતનગર પ્રા.શાળાના 154 વિદ્યાર્થીઓ સ્કૂલ છોડવા મજબૂર

Updated: Jul 26th, 2025

GS TEAM

Google News
Google News
ભુજ : સ્વતંત્ર શાળાની મંજૂરી ન મળતા ભારતનગર પ્રા.શાળાના 154 વિદ્યાર્થીઓ સ્કૂલ છોડવા મજબૂર 1 - image


Bhuj 154 Students Dropout : ગુજરાતના શિક્ષણ જગત પર એક શરમજનક ઘટનાએ કલંક લગાવ્યો છે. કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના ભારતનગર ખાતે આવેલી એક પેટા શાળાને છ વર્ષથી સ્વતંત્ર શાળાનો દરજ્જો ન મળતા 154 જેટલા વિદ્યાર્થીઓએ સામૂહિક રીતે શાળા છોડી (ડ્રોપઆઉટ) દીધી છે. આ ઘટના ગુજરાતના શિક્ષણતંત્રની ઉદાસીનતા અને બાળકોના ભવિષ્ય પ્રત્યેની બેદરકારી પર ગંભીર સવાલો ઉભા કરે છે.

શાળાને સ્વતંત્ર દરજ્જાની માગ:

પ્રાપ્ત માહિતી અનુસાર, ભારતનગર ખાતે વર્ષ 2019માં ભારતનગર પેટા શાળા શરૂ કરવામાં આવી હતી. ત્યારથી જ સ્થાનિક રહેવાસીઓ અને વાલીઓ સતત આ શાળાને સ્વતંત્ર શાળાનો દરજ્જો આપવા માટે માગણી કરી રહ્યા છે. હાલમાં આ પેટા શાળા ભારતનગરના કોમ્યુનિટી હોલમાં કાર્યરત છે. અહીં 154 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જ્યારે નજીકમાં આવેલી જીકડી જૂથ ગ્રામ પંચાયતની આંબેડકર પ્રાથમિક શાળામાં માત્ર 70 વિદ્યાર્થીઓ છે. આ આંકડા દર્શાવે છે કે ભારતનગરના વિદ્યાર્થીઓની સંખ્યા તેના કરતાં બમણાં કરતાં પણ વધુ છે, જે સ્વતંત્ર શાળાની તાતી જરૂરિયાત સૂચવે છે.

રાજ્ય સરકારની ઉદાસીનતા અને વાલીઓનો રોષ:

વાલીઓની સતત રજૂઆતો અને દબાણ બાદ કચ્છ જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા રાજ્યકક્ષાએ આ શાળાને સ્વતંત્ર દરજ્જો આપવા માટે દરખાસ્ત મોકલવામાં આવી હતી. જોકે, રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા આ શાળાને હાલ કોમ્યુનિટી હોલમાં જ શરૂ રાખવાનો સ્પષ્ટ જવાબ આવ્યો હતો. રાજ્ય સરકારના આ નિર્ણયથી વાલીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો.

શિક્ષણ કથળવાની ભીતિ:

વાલીઓએ શિક્ષણની કથળતી સ્થિતિ સામે આક્રોશ વ્યક્ત કરતા ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમનું કહેવું છે કે તેમના બાળકો જર્જરિત પેટાવર્ગમાં અભ્યાસ કરતા હોવાથી ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. વધુમાં, મુખ્ય શાળાથી પેટા વર્ગની શાળા 2 કિલોમીટર દૂર આવેલી છે, જે નાના બાળકો માટે મુશ્કેલી ઊભી કરે છે. વાલીઓએ ધારાસભ્ય, સાંસદસભ્ય અને ગાંધીનગર સુધી રજૂઆતો કરી હોવા છતાં ભારતનગર પ્રાથમિક શાળાને સ્વતંત્ર દરજ્જો આપવા અંગે મંજૂરી આપવામાં આવી નથી.

તેમણે ઉમેર્યું હતું કે આ મુદ્દે તેમણે અગાઉ પ્રવેશોત્સવ વખતે પણ શાળાનો બહિષ્કાર કર્યો હતો. પોતાની માગણી ન સંતોષાતા અને પોતાના બાળકોના ભવિષ્યને લઈને ચિંતિત વાલીઓએ આજે સવારથી જ શાળાએથી કુલ 154 જેટલા વિદ્યાર્થીઓના શાળા છોડ્યાના પ્રમાણપત્ર (લિવિંગ સર્ટિફિકેટ) કઢાવી લીધા હતા. એટલું જ નહીં, આ વર્ષે 25 જેટલા વિદ્યાર્થીઓએ તો એડમિશન જ લીધા ન હતા, જે દર્શાવે છે કે વાલીઓ લાંબા સમયથી આ મુદ્દે અસંતુષ્ટ હતા.

શિક્ષણ વિભાગની કામગીરી પર પ્રશ્નાર્થ:

ઉલ્લેખનીય છે કે આ સામૂહિક ડ્રોપઆઉટની ઘટનાએ રાજ્યના શિક્ષણ વિભાગની કામગીરી પર ગંભીર પ્રશ્નાર્થ ઊભા કર્યા છે. બાળકોના શિક્ષણના અધિકાર અને તેમના ઉજ્જવળ ભવિષ્ય અંગે સરકારની નીતિઓ પર પણ સવાલો ઉભા થયા છે. આ સમસ્યાનું તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવવાની માગણી પ્રબળ બની છે, જેથી વધુ બાળકો શિક્ષણથી વંચિત ન રહે.

Tags :