ભીકડા કેનાલ ક્રોસિંગ બ્રિજનો રસ્તો વાહનો માટે બંધ કરાયો
- બગદાણા રોડના માઈનોર બ્રિજને સુરક્ષાની દ્રષ્ટીએ 60 દિવસ બંધ કરી દેવાયો
- રજાવળ ડેમના પાણીમાં પુલ અને એપ્રોચ ગરકાવ, રસ્તો બંધ કરી ડાયવર્ઝન અપાયું
શામપરા (સિદસર) ખાતે ભીકડા કેનાલ ક્રોસિંગ બ્રિજ પર વાહનો માટે હાઈટ રિસ્ટ્રીક્શન ગ્રેટી લગાવવાની કામગીરી સબબ રસ્તાને બંધ કરી ડાયવર્ઝન રૂટ પર વાહનો પસાર કરવા અંગેનું જાહેરનામું જારી કરાયું છે. પાલિતાણાના ભુંડરખા-૧ અને ૨ રોડ પર આવેલ રજાવળ ડેમના અપ-સ્ટ્રીમમાં આવેલ હોવાથી પાણીની આવક વધી જતાં બ્રિજ અને તેનો એપ્રોચ રોડ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થતાં ડેમમાં પાણીનું લેવલ ઓછું ન થાય ત્યાં સુધી રસ્તો બંધ કરી ડાયવર્ઝન અપાયું છે. મહુવાના બગદાણા રોડ પર કોંજળી ગામ પહેલા આવેલા રૂપાવો નદી પરનો માઈનોર બ્રિજ (સ્લેબ ડ્રેઈન) ખાતે કોઈ અનિચ્છનિય બનાવ ન બને અને જાનમાલની હાનિ ન થાય તે માટે આ રૂટ પર ચાલતા ભારે વાહનો માટે ૬૦ દિવસ સુધી રસ્તો બંધ કરી ડાયવર્ઝન આપી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું જારી કર્યું છે.