ભાવનગરમાં 'રક્તચરિત્ર': પૈસાની લેતી-દેતીમાં મિત્રો જ બન્યા કાળ, યુવાનની કરપીણ હત્યા

Bhavnagar Crime News: ભાવનગર શહેરમાં ક્રાઈમની ઘટનાઓ સતત વધી રહી હોય તેમ લાગી રહ્યું છે. શહેરમાં હજુ ત્રિપલ મર્ડર કેસના પડઘા શમ્યા નથી, ત્યાં જ કરચલીયા પરા વિસ્તારમાં વધુ એક લોહિયાળ ખેલ ખેલાયો છે. જેમાં સામાન્ય પૈસાની લેતી-દેતી મામલે ચાર મિત્રોએ ભેગા મળીને પોતાના જ મિત્રની કરપીણ હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
રાત્રે ખેલાયો ખૂની ખેલ
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભાવનગરના કરચલીયા પરા, રૂખડિયા હનુમાન મંદિર પાછળ અને પોપટનગર રામાપીરના મંદિર પાછળ રહેતા મોહિતભાઈ ઉર્ફે એમ.કે. બટુકભાઈ ટેભાણ ને તેમના મિત્ર કાનજી ઉર્ફે કાનો કાળૂભાઈ બારૈયા સાથે પૈસાની લેતી-દેતી બાબતે વહેવાર હતો. આ બાબતને લઈ બંને વચ્ચે મનદુઃખ ચાલતું હતું.
ત્યારે મંગળવારે (25 નવેમ્બર) રાત્રે આશરે 11:30 વાગ્યાના સુમારે મોહિતભાઈ પોપટનગર જવાના રસ્તે હતા. ત્યારે પૈસાની ઉઘરાણી અથવા હિસાબ બાબતે તેમનો સામનો ચાર શખ્સો સાથે થયો હતો. જેમાં બોલાચાલી ઉગ્ર બનતા વાત વણસી હતી. ઉશ્કેરાયેલા ચારેય શખ્સોએ મોહિતભાઈને ગાળો આપી, ઢીકા-પાટુનો માર માર્યો હતો અને ત્યારબાદ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દીધા હતા.
હુમલા બાદ મોહિતભાઈ લોહીલુહાણ હાલતમાં રસ્તા પર જ ઢળી પડ્યા હતા અને આરોપીઓ તેમને તડપતો મૂકીને ફરાર થઈ ગયા હતા. આ અંગે 108ને જાણ કરવામાં આવતા તેમને તાત્કાલિક ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ગંભીર ઈજાઓને કારણે સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.
આ હત્યાકાંડમાં કાનજી ઉર્ફે કાનો કાળૂભાઈ બારૈયા (રહે. કરચલીયા પરા, ધનાનગર), કિશન ઉર્ફે કાળો કોથમરી (રહે. ખેડુતવાસ, ભાવનગર), રામ ઉર્ફે કાળીયો (રહે. ઉલાસ રૂવાપરી રોડ, ભાવનગર) અને આર્યન બારૈયા (રહે. ટેકરી ચોક પાસે, ભાવનગર) સહિત ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે.
આ બનાવ સંદર્ભે મૃતકના કાકા મહેશભાઈ બટુકભાઈ ટેભાણી એ ગંગાજળિયા પોલીસ મથકમાં ચારેય આરોપીઓ વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

