ભાવનગરમાં ઉનાળાની આકરી ગરમી વચ્ચે 4 દિવસ માવઠાંની આગાહી
દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને આસપાસના વિસ્તારોમાં ચક્રવાત પરિભ્રમણના કારણે
સતત ત્રીજા દિવસે તાપમાનમાં ઘટાડો છતાં ગરમીમાં કોઈ રાહત નહીં, ભેજનું પ્રમાણ ૪૫ ટકાએ પહોંચ્યુ
ભાવનગર - ભાવનગરમાં ઉનાળાની આકરી ગરમી વરસી રહી છે. તેની વચ્ચે રવિવારથી ચાર દિવસ માવઠાંની આગાહી કરવામાં આવી છે. કમોસમી વરસાદની સાથે ૩૦થી ૪૦ કિ.મી.ની ઝડપે મિની વાવાઝોડાનો પવન પણ ફૂંકાઈ શકે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.
ભાવનગરમાં સપ્તાહના પ્રારંભિક બે દિવસ દરમિયાન કાળઝાળ ગરમીનો કહેર વર્તાયા બાદ છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો ૪૦ ડિગ્રીની નીચે રહે છે. તેમ છતાં લોકોને અંગ દઝાડતા તાપમાં મોટી રાહત મળી શકી નથી. ગરમીની સાથે બફારાનું પ્રમાણ વધતા લોકોની મુશ્કેલી વધી છે. ગઈકાલની તુલનામાં આજે શહેરનું મહત્તમ તાપમાન ૦.૬ ડિગ્રી નીચે સરકીને ૩૯.૦ ડિગ્રી રહ્યું હતું. જ્યારે રાતનું તાપમાન એક ડિગ્રી ઉંચકાઈને ૨૪.૪ ડિગ્રીએ પહોંચી ગયું હતું. દિવસ દરમિયાન વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૪૫ ટકા રહ્યું હતું. તો ૨૬ કિ.મી.ની ઝડપે ગરમ પવન ફૂંકાતા લોકો હાશતોબા પોકારી ગયા હતા.
આગામી બે દિવસ તામાનમાં કોઈ મોટો ફેરફાર થવાના એંધાણ નથી. ત્યારબાદ તા.૩-૫થી તા.૭-૫ સુધી દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારોમાં સમુદ્ર સપાટીથી ૦.૯ કિ.મી. ઉપર ઉપરી હવાનું ચક્રવાત પરિભ્રમણ કરતા રાજ્યમાં વાવાઝોડા સાથે વરસાદની શક્યતા દર્શાવાઈ છે. જેમાં તા.૪-૫થી તા.૭-૫ દરમિયાન રાજ્યના અન્ય શહેરોની સાથે ભાવનગરમાં પણ ૩૦થી ૪૦ કિ.મી. પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે અને વાવાઝોડા સાથે છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ કમોસમી વરસાદ થવાની રાજ્યના હવામાન વિભાગે પૂર્વાનુમાન લગાવ્યું છે.