ભાવનગર તા. મામલતદાર કચેરીમાં સ્ટેમ્પ પેપર નહીં મળતા અરજદારોને રઝળપાટ
- જરૂરી સોગંદનામા માટે ધસારો પણ
- સમયે સ્ટેમ્પ ન મળવાના કારણે વેન્ડરો દ્વારા કાળાબજાર કરાતા હોવાની રાવ
ભાવનગર, તા. 7 ઓક્ટોબર 2020, બુધવાર
ભાવનગર તાલુકા કચેરી ખાતે જરૂરી સ્ટેમ્પ પેપર લાંબા સમયથી નહીં મળતા સોગંદનામા કરાવવા આવતા અરજદારો પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે અને સ્ટેમ્પ માટે નછુટકે રઝળપાટ કરવો પડી રહ્યો છે. જેનો ગેરલાભ સ્ટેમ્પ વેન્ડરો પણ કરી રહ્યા હોવાની રાવ ઉઠી છે.
ભાવનગર તાલુકા મામલતદાર કચેરી ખાતે અરજદારોને સોગંદનામા માટે મળતા સ્ટેમ્પ પેપર ઘણા સમયથી મળતા નથી. ભાવનગર તાલુકા કચેરી ખાતે ઘણા સમયથી સ્ટેમ્પ પેપરનું ટેબલ જ બંધ થઈ ગયેલ છે. ગ્રામ્યમાંથી આવતા લોકો સ્ટેમ્પ માટે આમ તેમ વલખા માર્યા કરે છે. સરકારી યોજનાઓનો લાભ લેવા માટે અથવા તો સામાન્ય પેઢી આંબો કાઢવા માટે સોગંદનામાની જરૂર પડતી હોય છે. સરકાર વિવિધ પ્રકારની યોજનાઓ લાગુ કરે છે. પરંતુ યોજનાઓનો લાભ લેવા માટે ગામડાઓના લોકો ફક્ત સ્ટેમ્પ માટે આખાયે ભાવનગર શહેરમાં રજળતા જોવા મળે છે. મામલતદાર કચેરી ખાતે જો સ્ટેમ્પ પેપરનું ટેબલ પુનઃ શરૂ કરવામાં આવે તો ભાવનગર તાલુકાના લાભાર્થીઓ અને અરજદારોને મુશ્કેલીનો સામનો કરવો પડે અત્યારે હાલ મામલતદાર કચેરી ખાતે સ્ટેમ્પ પેપર ના મળવાને કારણે સ્ટેમ્પ પેપરના વેન્ડરો વધારે પૈસા લઈને સ્ટેમ્પ પેપરનું વેચાણ કરી રહ્યા હોય તેવી તાલુકામાં ચર્ચાનો વિષય બન્યો છે. તંત્રએ ત્વરીત ધોરણે કાર્યવાહી કરવી જોઈએ તેવું પ્રમુખ રાજકુમાર મોરીએ ઉપપ્રમુખ બળદેવ સોલંકીએ જણાવ્યું છે.