ભાવનગરમાં એક માસમાં પાણીજન્ય બિમારીના 5,196 કેસ નોંધાતા ફફડાટ
- ચોમાસાની ઋતુમાં પાણીજન્ય બિમારીના કેસમાં વધારો
- મહાપાલિકાના આરોગ્ય કેન્દ્રો ખાતે તાવ, શરદી-ઉધરસ, ઝાડા વગેરે બિમારીના દર્દીઓની લાગતી કતારો, ગત જૂન માસમાં પાણીજન્ય બિમારીના 4,226 કેસ નોંધાયા હતા
ભાવનગર શહેરમાં છેલ્લા એક માસમાં એટલે કે ગત જુલાઈ માસમાં પાણીજન્ય બિમારીના કુલ પ૧૯૬ કેસ નોંધાયા છે, જેમાં પાણીજન્ય બીમારીમાં ઝાડા, તાવ, કોલેરા, શરદી-ઉઘરસ વગેરેનો સમાવેશ થતો હોય છે તેમ મહાપાલિકાના આરોગ્ય વિભાગના સુત્રોએ માહિતી આપતા જણાવેલ છે. પાણીજન્ય બિમારીના કેસ વધતા કરચલીયા પરા, કુંભારવાડા, સાંઢીયાવાડ, ખેડૂતવાસ, ભરતનગર, હાદાનગર સહિતના વિસ્તારમાં આવેલ મહાપાલિકાના આરોગ્ય સેન્ટર ખાતે દર્દીઓની ભીડ જામી રહી છે અને દર્દીઓને વિનામૂલ્યે સારવાર આપવામાં આવી રહી છે. મહાપાલિકાના આરોગ્ય સેન્ટર ખાતે તબીબ દ્વારા દર્દીઓને દવાઓ સાથે શું ધ્યાન રાખવુ તેનુ માર્ગદર્શન પણ આપવામાં આવે છે.
પાણીજન્ય બિમારીના કેસ વધતા ઘરે ઘરે બિમારીના ખાટલા જોવા મળી રહ્યા છે અને લોકોમાં ફફડાટ ફેલાયો છે ત્યારે પાણીજન્ય બીમારીથી બચવા માટે લોકોએ સાવચેત રહેવુ જરૂરી છે તેમ તબીબ સુત્રોએ જણાવેલ છે. ઉલ્લેખનીય છે કે, ભાવનગર શહેરમાં ગત જુન માસમાં પાણીજન્ય બિમારીના ૪રર૬ કેસ નોંધાયા હતાં.
પાણીજન્ય બિમારીના કેસની આંકડાકીય માહિતી
તાવ |
ર૬ર૬ |
શરદી-ઉધરસ |
૧પ૧પ |
ઝાડા |
૧૦પપ |
કુલ |
પ૧૯૬ |
પાણીજન્ય બિમારીના પગલે સઘન સર્વેલન્સ કામગીરી શરૂ : અધિકારી
ભાવનગર મહાપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા પાણીજન્ય બિમારીના પગલે સઘન સર્વેલન્સ કામગીરી હાથ ધરી છે. આ ઉપરાંત ઓઆરએસના પેકેટ તેમજ કલોરિનની ગોળીઓનુ વિતરણ કરવામાં આવી રહ્યુ છે. પાણીજન્ય બીમારીના કેસ વધ્યા છે ત્યારે લોકોએ સાવચેતીના પગલ લેવા જરૂરી છે, જેમાં પાણી ઉકાળીને પીવુ, ખરાબ પાણી ન પીવુ, કંઈ પણ ચીજવસ્તુ ખાતા પહેલા હાથ ધોવા, વાસી ખોરાક ન ખાવો, શૌચાલયમાંથી નિકળીને પણ હાથ ધોવા વગેરે પગલા લેવા જોઈએ તેમ મહાપાલિકાના રોગચાળા નિયત્રંણ અધિકારી ડો. વિજય કાપડિયાએ માહિતી આપતા જણાવેલ છે.