Get The App

ભાવનગરમાં મધરાત્રે વીજળીના કડાકા-ભડાકા સાથે ઝાપટું વરસ્યું

Updated: Jun 3rd, 2026

GS TEAM

Google News
Google News
ભાવનગરમાં મધરાત્રે વીજળીના કડાકા-ભડાકા સાથે ઝાપટું વરસ્યું 1 - image

હજુ ત્રણ દિવસ હવામાન વિભાગની વરસાદની આગાહી

ઘોઘામાં પરોઢિયે ધોધમાર પા ઈંચ પાણી વરસી ગયું ઃ ગરમીમાં રાહત, બફારો વધ્યો

ભાવનગર - ભાવનગરમાં મધરાત્રિના સમયે વીજળીના કડાકા-ભડાકા અને ભારે પવન સાથે વરસાદી ઝાપટું વરસી ગયું હતું. ઘોઘામાં પરોઢિયાના સમયે ધોધમાર પા ઈંચ પાણી વરસી જતાં ઠંડક પ્રસરી હતી.

હવામાન વિભાગે કરેલી આગાહી સાચી ઠરી હોય તેમ મધરાત્રિના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. પ્રથમ આકાશમાં વીજળીના ચમકારા થયા બાદ છાંટા વરસવાનું શરૃ થયું હતું. ત્યાર પછી મિની વાવાઝોડા જેવા પવન સાથે વીજળીના કડાકા સાથે વરસાદનું જોરદાર ઝાપટું વરસી ગયું હતું. વરસાદના હજુ થોડા છાંટા પડયાં ત્યાં શહેરના મોટાભાગના વિસ્તારોમાં વીજળી વેરણ થઈ જતાં નાગરિકો અંધારામાં હેરાન થયા હતા.

ભાવનગર ઉપરાંત ઘોઘામાં પણ મેહૂલિયાનું આગમન થયું હતું. વહેલી સવારે ચાર કલાક બાદ ધોધમાર પા ઈંચ (૬ મિ.મી.) વરસાદ ખાબકી ગયો હતો. વરસાદી માહોલના કારણે લોકોને ગરમીમાં રાહત મળી હતી. જો કે, બફારાનું જોર વધતાં નાગરિકો પરસેવે નહાયા હતા.

રાતનું તાપમાન સામાન્યથી ૫.૮ ડિગ્રી નીચું રહ્યું

ભાવનગરમાં મધરાત્રે વરસેલા વરસાદના કારણે ૨૪ કલાકમાં લઘુતમ તાપમાન ૬.૭ ડિગ્રી નીચે સરકીને ૨૧.૯ ડિગ્રીએ પહોંચી ગયું હતું. રાતના તાપમાનમાં આવેલા નોંધપાત્ર ઘટાડાના કારણે લઘુતમ તાપમાન સામાન્યથી સરેરાશ ૫.૮ ડિગ્રી નીચું રહ્યું હતું. જ્યારે દિવસ દરમિયાન પણ ગરમીનું જોર ઘટતાં મહત્તમ તાપમાન સામાન્યથી ૨.૯ ડિગ્રી રહ્યું હતું. આજે દિવસનું તાપમાન ૩૬.૪ ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૫૬ ટકા અને ૨૨ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો હોવાનું હવામાન વિભાગના સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. વધુમાં વરસાદની આગાહીના પગલે છેલ્લા ૨ દિવસમાં મહત્તમ તાપમાનમાં ૪.૧નો ઘટાડો થયો છે.