Get The App

ભાવનગર રેન્જ આઇજીના પોલીસ અધિકારીઓ સામે તપાસના આદેશ

Updated: Jan 26th, 2026

GS TEAM

Google News
Google News
ભાવનગર રેન્જ આઇજીના પોલીસ અધિકારીઓ સામે તપાસના આદેશ 1 - image

- બગદાણા વિવાદ : ડિવાયએસપી અને 2 પીઆઈ મળી 3 પોલીસ અધિકારી શંકાના દાયરામાં 

- ઘટનાના સત્યને છૂપાવવા દાખવેલી બેદરકારી બદલ એસ.પી.ને તપાસ કરી રિપોર્ટ આપવા જણાવ્યું

ભાવનગર : બગદાણાના કોળી યુવાન ઉપર થયેલા હુમલાના પ્રકરણમાં એસઆઇટીએ આખરે પુરાવાઓના આધારે જયરાજ આહિરને ધરપકડ કરી લીધી હતી. આ સમગ્ર મામલામાં ડિવાયએસપી અને બે પોલીસ ઇન્સ્પેક્ટરની પ્રથમથી જ ભૂમિકા શંકાના દાયરામાં હોય, ભાવનગર રેન્જ આઇજીએ ત્રણેય અધિકારીઓ સામે એસપીને તપાસ કરવાના આદેશ છોડતા પોલીસ બેડામાં ખડભળાટ મચી ગયો છે. બીજી તરફ ૨૭ દિવસથી ચર્ચાનું કેન્દ્રબિંદુ બનીને રહેલા સમગ્ર મામલે પહેલેથી જ મૌન ધારણ કરીને બેઠેલ જિલ્લા પોલીસ વડા તેમના જ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ વિરૂદ્ધ શું રિપોર્ટ આપે છે ? તેના ઉપર સૌની મીટ મંડાઈ છે.

૨૭ દિવસ પૂર્વે બગદાણાના કોળી યુવાન નીતિનભાઈ બાલધિયા ઉપર આઠ ગુડ્ડાઓએ હુમલો કરી મરણતોલ ઈજા પહોંચાડી હતી. આ ચકચારી ઘટનાના ૨૭ દિવસમાં કેટ કેટલા પોલીસ અધિકારીઓએ તપાસનું તરકટ કરી ખાખીને ડાઘ લાગે તેમ ડાયરાના કલાકાર માયાભાઈ આહિરના પુત્ર અને ભાજપના આગેવાન જયરાજ આહિરને છાવરવા શક્ય એટલા ધમપછાડા કર્યા હતા. પરંતુ કોળી સમાજ પણ ન્યાય માટે લડી લેવાના મૂડમાં જ હોય તેમ સતત આંદોલનો ચલાવી સરકાર અને પોલીસ તંત્ર ઉપર સત્યને બહાર લાવવા દબાણ ઉભું કરતા આખરે ન્યાયની જીત થઈ હતી અને પોલીસ અધિકારીઓની મેલીમુરાદ બર આવી શકી ન હતી.

કોળી સમાજના નેતાઓ મુખ્યમંત્રીને રજૂઆત કરવા મળ્યાં ને તુરંત એસ.આઈ.ટી.ની રચના કરી દેવાઈ હતી. પ્રારંભમાં એસઆઈટીની તપાસ પણ મંદગતિએ શરૂ થઈ પરંતુ ત્યારબાદ જેલમાં રહેલા આઠેય આરોપીઓનો કબજો મેળવી એસઆઈટીએ ફર્ધર રિમાન્ડ મેળવી સઘન પૂછપરછ હાથ ધરતા કોળી યુવાન ઉપર હુમલાના ષડયંત્ર પાછળ અન્ય મોટા માથાઓ પણ સંડોવાયેલા હોવાનો ઘટસ્ફોટ થયો હતો. જેના આધારે એસઆઈટીએ અન્ય પાંચ લુખ્ખાઓની પણ ધરપક કરી હતી. જ્યારે મહુવા શહેર ભાજપ ઉપપ્રમુખ સહિત બે શખ્સ એસઆઈટીના રડારમાં આવતા બન્નેને બોલાવી નિવેદનો નોંધવામાં આવ્યા હતા.

નવનીતભાઈએ વિશેષ નિવેદનમાં ૧૫ જેટલા સજ્જડ પુરાવા આપ્યા બાદ એસઆઈટીના સકંજામાં મુખ્ય ષડયંત્રકાર જયરાજની ભૂમિકા સામે આવી હતી. જેથી જયરાજને પણ એસઆઈટીનું તેડું આવ્યું હતું અને બીજી વખત સમન્સ પાઠવી આખરે તેની પણ ધરપકડ કરી હત્યાનો પ્રયાસ, ષડયંત્ર, મારામારી સહિતની કલમો હેઠળ આરોપી બનાવવામાં આવ્યો હતો.

પ્રારંભમાં બગદાણાના તત્કાલિન મહિલા પીઆઈ ડાંગર સામે ફરિયાદીના કહેવા મુજબ ગુનો દાખલ કરવામાં ન આવતો હોવાનો આરોપ લાગ્યો હતો. ઘટનાના બીજા-ત્રીજા દિવસે મહિલા ડિવાયએસપી ઝાલાએ જયરાજને ક્લિનચીટ આપી દીધી હતી. મહુવા પીઆઈ પટેલ સામે પણ તપાસમાં બેદરકારી દાખવ્યાનો અને રિ-કન્સ્ટ્રક્શનના નામે આરોપીઓને લંગડાતા ચલાવવાનું નાટક રચ્યાનો આક્ષેપ થયો હતો. આ ત્રણેય અધિકારીઓ રડારમાં આવ્યા છે અને રેન્જ આઈજી ગૌતમ પરમારે ખાતાકીય તપાસ કરવા માટે એસ.પી. નિતેશ પાંડેયને આદેશ આપી દીધો છે. આવા સંજોગોમાં પોલીસ અધિક્ષક પોતાના જ તાબા હેઠળના પોલીસ અધિકારીઓની તપાસ કંઈ દિશામાં લઈ જાય છે, તપાસ રિપોર્ટ શું આપે છે ? તે જોવું રહ્યું

બગદાણા વિવાદે પોલીસની છબી ઉપર લાંછન લગાડયું

બગદાણાના હુમલા પ્રકરણમાં બગદાણા પોલીસ મથકના મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા પ્રથમથીજ જયરાજ આહિરને છાવરવાનો પ્રયાસ કર્યો હતો. મહુવા ડિવાયએસપી રીમાબા ઝાલાએ કેસના તથ્યોની પૂરતી તપાસ કર્યા વિના જયરાજને નિર્દોષ જાહેર કરવાની હોડ જામી હોય તેમ ક્લિનચીટ આપી દીધી હતી. તદ્દુપરાંત મહુવા પીઆઈ પટેલે પણ જયરાજ તરફી વલણ અપનાવતા પોલીસ જાણે ગુનેગારોની એજન્ટ હોય તેવું કામ કર્યું હતું. આમ, બગદાણાના વિવાદમાં ભુંડી ભૂમિકાએ પોલીસની છબી ઉપર લાંછન લગાડયું હતું.