ભાવનગર-ઓખા ટ્રેન દ્વારકા સ્ટેશને બે કલાક વહેલી પહોંચશે
- ભાવનગરથી રાત્રે 10.10 વાગ્યે પ્રસ્થાનનો સમય યથાવત
- યાત્રીઓની લાગણી અને માગણીનો વિજય : આગામી 30 મી મેથી થનારો બદલાવ
વર્તુળોના જણાવ્યા અનુસાર ભાવનગર-ઓખા ટ્રેન દરરોજ રાત્રીના ૧૦.૧૦ વાગ્યે ભાવનગર ટર્મિનસથી ઓખા જવા પ્રસ્થાન કરે છે. આ ટ્રેન બપોરે ૧૨.૦૧ વાગ્યે દ્વારકા રેલવે સ્ટેશન પર પહોંચે છે. આમ, ૧૪ કલાક જેવો સમય લે છે. આ ટ્રેન બપોરે ૧૨.૫૫ વાગ્યે ઓખા પહોંચે છે. એ જ રીતે ઓખા-ભાવનગર ટ્રેન બપોરે ૩.૧૫ વાગ્યે ઓખાથી ભાવનગર આવવા પ્રસ્થાન કરે છે અને બપોરે ૧૫.૫૦ વાગ્યે દ્વારકા પહોંચે છે. જ્યારે વહેલી સવારે ૫.૩૦ વાગ્યે ભાવનગર ટર્મિનસ આવે છે.
હવે ભગવાન શ્રી દ્વારકાધિશના દર્શનાર્થે જતા યાત્રીઓને દર્શન કરીને વળતી ટ્રેનમાં પરત ભાવનગર તરફ આવવું હોય તો તે શક્ય બનતું નથી. આથી આ ટ્રેન સવારના ૧૦ વાગ્યાના અરસામાં દ્વારકા પહોંચે તો યાત્રીઓને વધુ અનુકૂળતા રહે તેવી યાત્રીગણમાં માંગ પ્રવર્તતી હતી. જે લાગણીનો પડઘો પડયો છે અને રેલવે પ્રશાસને આ ટ્રેન સવારે બે કલાક વહેલી દ્વારકા પહોંચે તે પ્રકારે દોડાવવાનો નિર્ણય લીધો છે.
અલબત્ત, ટ્રેનના પ્રસ્થાન સમયમાં કોઈ ફેરફાર કરાયો નથી અને તે નિર્ધારિત રાત્રીના ૧૦.૧૦ વાગ્યે જ ભાવનગરથી પ્રસ્થાન કરશે, પરંતુ સુરેન્દ્રનગરથી દ્વારકા વચ્ચે રૂટમાં જ્યાં હોલ્ટનો સમય વધુ છે તે ઘટાડવામાં આવનાર છે. આ બદલાવ આગામી તા. ૩૦મી મેથી અમલમાં આવનાર હોવાનું વર્તુળોએ ઉમેર્યું હતું.