Get The App

ભાવનગરમાં રખડતા ઢોરના કારણે 21 વર્ષના જૂવાનધોધ દીકરાનું કરૂણ મોત, તંત્રને એક જ સવાલ આખરે ક્યાં સુધી..?

Updated: Dec 20th, 2025

GS TEAM

Google News
Google News
ભાવનગરમાં રખડતા ઢોરના કારણે 21 વર્ષના જૂવાનધોધ દીકરાનું કરૂણ મોત, તંત્રને એક જ સવાલ આખરે ક્યાં સુધી..? 1 - image


Bhavnagar News: ગુજરાતમાં રખડતી રંજાડના કારણે વધુ એક પરિવારનો દિપક બુઝાઇ ગયો! ક્યાં સુધી રસ્તા પર રખડતા ઢોરનો ત્રાસ રહેશે અને ક્યાં સુધી કોઈના પરિવારના સભ્યો મોતને ભેટશે! ભાવનગર-તળાજા નેશનલ હાઈવે પર આજે હૈયું નિચોવી નાખે તેવી ઘટના બની છે. જેમાં હાઈવે પર રખડતા ઢોરને કારણે પરિવારના એકના એક દીકરાનું કરૂણ મોત નીપજ્યું છે. 

એકનો એક દીકરો હતો...

અનેક આશાઓ લઈને પરિવારનું ભરણ પોષણ કરવા 21 વર્ષના વિશ્વરાજસિંહ ગોહિલ મેડિકલ ક્ષેત્રમાં નોકરી કરતાં હતા. દરરોજ ભંડારીયા ગામથી ભાવનગર અપ-ડાઉન કરતા હતા. ત્યારે બે દિવસ પહેલા તેઓ જ્યારે પોતાનું ટુ-વ્હીલર લઈને ભાવનગરથી પરત ઘરે પરત જઈ રહ્યા હતા. ત્યારે અચાનક ભડી ગામ પાસે રખડતું ઢોર કાળ બનીને આવ્યું, રસ્તા પર વિશ્વરાજસિંહ પડી ગયા જેમાં ગંભીર ઈજાઓ થતાં તેમણે સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.  પરંતુ ટૂંકી સારવાર બાદ તેમના ખોળિયામાંથી જીવ જતો રહ્યો અને પરિવાર નોધારો થઈ ગયો!

પરિવારમાં આક્રંદ સાથે રોષ

ક્યાં ખબર હતી કે કોઈના પાપે જિંદગીનો આવી રીતે અંત આવી જશે. અચાનક કાળમુખો દિવસ આવ્યો અને રખડતા ઢોરની રંજાડને કારણે મોતને ભેટવું પડ્યું, વિશ્વરાજસિંહ પિતા ખેતી સાથે સંકળાયેલા છે. જેમને વિશ્વરાજસિંહ એકના એક દીકરો હતો. ઘરના હ્રદય સમાન દીકરાનું કંપારીભર્યું નિધન થતાં પરિવાર સદમાં છે. હજુ પણ માનવા તૈયાર નથી કે દીકરો વિશ્વરાજસિંહ હવે તેમની વચ્ચે નથી. 

આ પણ વાંચો: વડોદરા: સયાજીબાગ ઝૂમાં સિંહયુગનો અંત! સર્પદંશથી સિંહણ 'સમૃદ્ધિ'નું મોત, 5 વર્ષમાં 4 સિંહોના મોતથી તંત્ર સામે સવાલ

તંત્રને એક જ સવાલ આખરે ક્યાં સુધી..?

તંત્રને તો ઘટના આકસ્મિક લાગતી હશે! કારણ કે રખડતા ઢોર સામે યોગ્ય પગલાં લેવાની વિસ્તારના નાગરિકો અનેક વખત રજૂઆત કરી ચૂક્યા છે. પણ નમાલું તંત્ર બસ આવી જ રીતે કોઈના દીકરા તો કોઈના ભાઈભાંડુના મોતનો તમાશો જોઈ રહ્યું છે પણ કાર્યવાહી કરી રહ્યું નથી! રખડતા પશુઓના કારણે વારંવાર અકસ્માતો થઈ રહ્યા છે જેને રોકવામાં તંત્ર તદ્દન નિષ્ફળ ગયું છે. હાલ ભગવાન ભરોસે ભાવનગરનું તંત્ર ચાલી રહ્યું છે. અનેક વખત કોર્ટ પણ ગુજરાત સરકાર તેમજ મનપાઓને રખડતા ઢોર પર એક્શન લેવાનો આદેશ આપી ચૂકી છે, પણ તંત્ર અને તેના જવાબદાર અધિકારીઓને રખડતાં ઢોર મુદ્દે પેટમાં એવી ચૂંક પડે છે કે તે દરેક વખતે કડક એક્શન લેવામાં ચૂકી જ જાય છે જેનો ભોગ સામાન્ય જનતા બને છે. હાલ તો 21 વર્ષીય યુવકનું મોત થતાં પ્રશાસન સામે પંથકના સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.