Gujarat

ભાવનગર મનપાની સ્ટેન્ડિંગ કમિટિમાં પાણી વેરો ડબલ કરવા નિર્ણય કરાશે

By GS TEAM
27 Dec 20252 mins read
ભાવનગર મનપાની સ્ટેન્ડિંગ કમિટિમાં પાણી વેરો ડબલ કરવા નિર્ણય કરાશે

- બુધવારે સ્ટેન્ડિંગ કમિટિની બેઠકમાં જુદા જુદા કામના 54 ઠરાવને મંજૂરી અપાશે 

- પ્રતિ કનેક્શન પાણી વેરો રૂા. 1500 છે, જે વધારીને રૂા. 2950 કરવા વોટર વર્કસ વિભાગે દરખાસ્ત કરી, ચૂંટણી વર્ષમાં શાસક ભાજપ પાણી વેરો વધારશે કે નહીં ? તેની રાહ જોવી જ રહી 

ભાવનગર : ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટિની બેઠક આગામી દિવસોમાં મળશે, જેમાં પાણી વેરો વધારવા સહિતના જુદા જુદા કામના ઠરાવને બહાલી આપવા માટે નિર્ણય કરાશે. પાણી વેરો ડબલ કરવા માટે વોટર વર્કસ વિભાગે દરખાસ્ત કરી છે. 

મહાપાલિકાના હોલ ખાતે આગામી તા. ૩૧ ડિસેમ્બરને બુધવારે સાંજે પ કલાકે સ્ટેન્ડિંગ કમિટિની બેઠક ચેરમેનના અધ્યક્ષ સ્થાને બંધ બારણે મળશે. આ બેઠકમાં જુદા જુદા કામના પ૪ ઠરાવને મંજૂરી આપવામાં આવશે, જેમાં નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે હાલનાં અમલી રહેલ વોટર ચાર્જ રીવાઈઝડ કરવાની જરૂરીયાત જણાય છે. કારણે કે સમગ્ર શહેરમાં આગામી નાણાકીય વર્ષ-૨૦૨૬-૨૭ માં દૈનિક સપ્લાય પધ્ધતિ પ્રમાણે પાણી વિતરણ કરવા માટે વાષક અંદાજીત ખર્ચ રૂા. ૫૬.૫૦ કરોડનો ખર્ચ થાય તેમ છે તથા વર્ષ દરમિયાન ૬૯,૩૫૦ એમ.એલ. રો-વોટરની દૈનિક પાણી વિતરણ કરવા માટે જરૂરિયાત રહેશે. પાણી સપ્લાય કરવા માટે મહાનગરપાલિકાને પાણીની પડતર કિંમત રૂા. ૮.૧૫ પ્રતિ હજાર લીટર થાય તેમ છે. 

હાલમાં સીટી લીમીટ અંદર આવતા અડધા ઇંચના ફીકસડ રહેણાકીંય કનેકશન માટે રૂ.૧૫૦૦/- પ્રતિ વર્ષ પાણી ચાર્જ વસુલ લેવામાં આવે છે. આવા પ્રકારના અડધા ઇંચના ફીકસ કનેકશનમાં પાણી સપ્લાય કરવા માટે મહાનગરપાલિકાને રૂ.૨૯૫૦/- પ્રતિ વર્ષ ખર્ચ થાય તેમ છે. આ મુજબ સીટી લીમીટ અંદર આવતા રહેણાકીય અડધા ઇંચના ફીકસ કનેકશનમાં પાણી સપ્લાય કરવા માટે પ્રતિ કનેકશન રૂ. ૧૫૦૦/- પ્રતિ વર્ષ વધારાનો ખર્ચ મહાનગરપાલિકાને ભોગવવો પડે છે. મહાપાલિકાને પાણી વિતરણ વ્યવસ્થા માટે કુલ વાષક ખર્ચ રૂા. ૫૬.૫૦ કરોડ તથા તેની સામે પાણી ચાર્જની વાષક કુલ રકમની ડીમાન્ડ રૂા. ૨૫.૫૦ કરોડ છે અને આ વચ્ચેનો તફાવત કુલ રૂા. ૩૧.૦૦ કરોડનું મહાનગરપાલિકાને વાષક આથક ભારણ રહે છે. જે તમામ વિગતે આગામી નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ થી પ્રકરણે સામેલ પત્રક એનેક્ષર-એ મુજબના વોટર ચાર્જ રીવાઇઝ કરવાની મંજુરી આપવા નિર્ણય કરાશે. 

સ્ટેન્ડિંગમાં રૂા. 45.37 કરોડના કામને મંજૂરી અપાશે 

ભાવનગર મહાપાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કરોડો રૂપિયાના વિકાસ કામને શાસક ભાજપ દ્વારા ફટાફટ મંજૂરી આપવામાં આવી રહી છે, જેના ભાગરૂપે આગામી સ્ટેન્ડિંગ કમિટિની બેઠકમાં પેવીંગ બ્લોક, પેવર રોડ સહિતના જુદા જુદા કામ માટે રૂા. ૪પ.૩૭ કરોડના વિકાસના કામોને મંજૂરી આપવા નિર્ણય કરાશે.