ભાવનગર મહાપાલિકાએ 6 માસમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો 454 કિલોગ્રામ જથ્થો જપ્ત કર્યો
- મહાપાલિકાની કામગીરી વચ્ચે પણ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ યથાવત
- મહાપાલિકાની ટીમે પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો પકડી 905 આસામી પાસેથી રૂા. 3.60 લાખનો દંડ વસૂલ્યો
મહાપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટીકનો ઉપયોગ અટકાવવા માટે દરરોજ કામગીરી કરવામાં આવતી હોય છે અને અઠવાડીયામાં એક વાર સ્પેશીયલ ઝુંબેશ ગોઠવવામાં આવતી હોય છે પરંતુ છતાં પ્રતિબંધિત પ્લાસ્ટીકનો ઉપયોગ અટક તો નથી. મહાપાલિકાની ટીમે છેલ્લા ૬ માસમાં શહેરના એમ.જી. રોડ, વોરાબજાર, ઉંડીવખાર, મામા ખાડણીયા, શેલારશા, ઘોઘા જકાતનાકા, કાળિયાબીડ, ભરતનગર, ચિત્રા, સુભાષનગર, કાળાનાળા, વાઘાવાડી રોડ સહિતના વિસ્તારમાં તપાસ કરી પ્રતિબંધિત પ્લાસ્ટીકનો ૪પ૪ કિલોગ્રામ જથ્થો પકડયો હતો. પ્રતિબંધિત પ્લાસ્ટીકનો જથ્થો જપ્ત કરી ૯૦પ આસામી પાસેથી રૂા. ૩,૬૦,૭૦૦ નો દંડ વસુલ કરવામાં આવેલ છે તેમ મહાપાલિકાનો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના અધિકારીએ માહિતી આપતા જણાવેલ છે.
પ્રતિબંધિત પ્લાસ્ટીકને કારણે પર્યાવરણને ખુબ જ નુકશાન થઈ રહ્યુ છે ત્યારે પ્રતિબંધિત પ્લાસ્ટીકનો ઉપયોગ અટકાવવા માટે મહાપાલિકા દ્વારા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, જેના પગલે પ્રતિબંધિત પ્લાસ્ટીકનો ઉપયોગ થોડો ઘટયો છે પરંતુ અટકયો નથી તેમ જણાય રહ્યુ છે.
પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ અટકાવવા માટે કાર્યવાહી શરૂ રહેશે : અધિકારી
ભાવનગર શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટીકનો ઉપયોગ અટકાવવા માટે દરરોજ કામગીરી કરવામાં આવી રહી છે અને થોડા થોડા સમયે ઝુંબેશ રાખવામાં આવતી હોય છે. દુકાન, હોલસેલના વેપારી, ચાની લારી સહિતના સ્થળે તપાસ કરવામાં આવે છે અને પ્રતિબંધિત પ્લાસ્ટીક ઉપયોગ કરતા વેપારી સહિતના આસામી પાસેથી જથ્થો જપ્ત કરી દંડ ફટકારવામાં આવતો હોય છે. પ્રતિબંધિત પ્લાસ્ટીકનો ઉપયોગ અટકાવવા માટે કાર્યવાહી શરૂ રહેશે તેમ મહાપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના કાર્યપાલક ઈજનેર એમ.એમ.શાહે જણાવ્યુ હતું.