ભાવનગર મહાનગરપાલિકાનો વેરો નહીં ભરનાર 315 આસામીની મિલકત સીલ
- વેરો વસુલવા માટે મહાપાલિકાએ મિલકત સીલ મારવાની કાર્યવાહી હાથ ધરી
- વેરો ભર્યા બાદ મિલકતના સીલ ખોલાશે : ઘરવેરા અધિકારી, મહાપાલિકાએ મિલકતને સીલ મારતા બાકીદારોમાં ફફડાટ
મહાપાલિકાએ મિલકત ધારકો માટે ગત એપ્રિલ માસમાં ૧૦ ટકા રિબેટ (વળતર) યોજના જાહેર કરી હતી અને મે માસમાં પ ટકા રિબેટ યોજાના જાહેર કરી હતી. ઓનલાઈન મિલકત વેરો ભરનારને વધુ ર ટકા રિબેટ આપવામાં આવ્યુ હતુ, જેના પગલે ઘણા મિલકત ધારકો વેરો ભરીને રિબેટ યોજનાનો લાભ લીધો હતો પરંતુ ઘણા મિલકત ધારકોએ રિબેટ યોજનામાં પણ મિલકત વેરો ભર્યો ન હતો અને ત્યારબાદ પણ મિલકત વેરો કોઈ કારણસર ભર્યો ન હતો તેથી મહાપાલિકાએ મિલકત વેરો વસુલવાની કામગીરી હાથ ધરી છે. મિલકત વેરો નહીં ભરનાર ૩૧પ મિલકતને મહાપાલિકાની ટીમે સીલ માર્યા છે અને મિલકત વેરો ભર્યા બાદ સીલ ખોલવામાં આવશે, જેના કારણે બાકીદારોમાં ભયનો માહોલ ફેલાયો છે.
મહાપાલિકાએ મિલકત સીલ મારવાની કામગીરી હાથ ધરતા ઘણા મિલકત ધારકો મિલકત વેરો ભરી રહ્યા છે. આ કામગીરી આગામી દિવસોમાં પણ શરૂ રહેશે અને મિલકત વેરો નહીં ભરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ મહાપાલિકાના ઘરવેરા વિભાગના સુપ્રિ. (મધ્ય વોર્ડ) વિરેન્દ્રસિંહ ગોહિલે માહિતી આપતા જણાવેલ છે.
મહાપાલિકાને મિલકત વેરાની કુલ રૂા. 130.17 કરોડની આવક
ભાવનગર મહાપાલિકાને એપ્રિલથી અત્યાર સુધીમાં મિલકત વેરાની કુલ રૂા. ૧૩૦.૧૭ કરોડની આવક થઈ છે અને ૧,૭૬,૪૧પ કરદાતાએ વેરો ભર્યો છે. ગત તા. ૧ થી ૮ ઓગષ્ટ સુધીમાં મહાપાલિકાને મિલકત વેરાની કુલ રૂા. ર.૯૪ કરોડની આવક થઈ છે અને ૯પ૩ કરદાતાએ વેરો ભર્યો છે. મિલકત વેરો વસુલવા માટે કામગીરી યથાવત છે, જેના પગલે મહાપાલિકાને વેરાની સારી આવક થઈ રહી છે તેમ માહિતી આપતા ઘરવેરા વિભાગના અધિકારીએ જણાવેલ છે.