Get The App

ભાવનગર મહાપાલિકા ક્રિકેટ ટૂર્નામેન્ટ રમાડે છે પરંતુ સ્પોર્ટસ કોટામાં ભરતી કરાતી નથી

Updated: Jan 12th, 2026

GS TEAM

Google News
Google News
ભાવનગર મહાપાલિકા ક્રિકેટ ટૂર્નામેન્ટ રમાડે છે પરંતુ સ્પોર્ટસ કોટામાં ભરતી કરાતી નથી 1 - image

- સારા ખેલાડી નહીં હોવાથી મહાપાલિકાની ટીમનું નબળુ પ્રદર્શન રહેતુ હોય છે 

- સ્પોર્ટસ કોટામાં ભરતી કરવાથી મહાપાલિકાની ટીમ સારી બની શકે, ખેલાડીઓને પણ નોકરી મળવાથી ફાયદો થશે 

ભાવનગર : ઓલ ગુજરાત આંતર કોર્પોરેશન ક્રિકેટ ટૂર્નામેન્ટનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે, જેમાં તાજેતરમાં ભાવનગર મહાનગરપાલિકાના યજમાન પદે ઓલ ગુજરાત આંતર કોર્પોરેશન ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યુ હતું. મહાપાલિકા દ્વારા ક્રિકેટ ટૂર્નામેન્ટ રમાડાય છે પરંતુ સ્પોર્ટસ કોટામાં ભરતી કરાતી નથી તેથી ખેલાડીઓને અન્યાય થઈ રહ્યો હોવાનુ જણાય રહ્યુ છે. 

ભાવનગર મહાનગરપાલિકાની કમિશનર અને મેયરની ટીમ દર વર્ષે ઓલ ગુજરાત આંતર કોર્પોરેશન ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માટે જાય છે પરંતુ મોટાભાગે પ્રથમ મેચ હારીને બંને ટીમ પરત ફરે છે. તાજેતરમાં ભાવનગર મહાપાલિકાના યજમાન પદે ક્રિકેટ ટૂર્નામેન્ટમાં બંને ટીમનો દેખાવ થોડો સારો રહ્યો હતો. મહાપાલિકામાં સ્પોર્ટસ કોટામાં વર્ષોથી ભરતી કરવામાં આવતી નથી તેથી ભાવનગરના ક્રિકેટ, બાસ્કેેટબોલ, ટેબલ ટેનિસ, બેડમિગ્ટન, હેન્ડબોલ, ફૂટબોલ, વોલીબોલ સહિતના ખેલાડીઓને અન્યાય થતો હોય છે. મહાપાલિકા દ્વારા ક્રિકેટ ખેલાડીઓની સ્પોર્ટસ કોટામાં ભરતી કરવામાં આવે તો ટીમ સારી બની શકે છે અને ખેલાડીઓને પણ નોકરી મળવાથી ફાયદો થશે. 

ઉપરાંત અન્ય રમતના ખેલાડીઓ પણ રાજ્યકક્ષા કે નેશનલકક્ષાએ સારૂ પ્રદર્શન કરશે તો મહાપાલિકાનું નામ રોશન થશે ત્યારે ખેલાડીઓના હિતમાં મહાપાલિકાએ સ્પોર્ટસ કોટામાં ભરતી કરવી જરૂરી છે તેમ રમતપ્રેમીઓમાં ચર્ચાય રહ્યુ છે. 

વર્ષ- 1986 માં ક્રિકેટ ખેલાડીઓની ભરતી કરાઈ હતી 

ભાવનગર મહાનગરપાલિકામાં વર્ષ-૧૯૮૬માં આશરે ૬ ક્રિકેટ ખેલાડીઓની સ્પોર્ટસ કોટા પર ભરતી કરવામાં આવી હતી, જેના કારણે મહાપાલિકા અને ખેલાડીઓને ફાયદો થયો હતો પરંતુ ત્યારબાદ સ્પોર્ટસ કોટામાં ભરતી કરવામાં આવતી નથી તેથી ખેલાડીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે.