ભાવનગર મહાપાલિકાએ 4150 પશુના શરીરમાં આરએફઆઈડી ચીપ ફીટ કરી
- ગાય-ભેસની નોંધણી કરી શરીરમાં રેડીયો ફીવેન્સી આઈડેન્ટી રેડીઈશન ચીપ ફીટ કરાઈ
- પશુ પકડાશે એટલે ચીપના આધારે મહાપાલિકાને માલિકના નામ, સરનામાની જાણ થઈ જશે, પશુના કાનમાં ટેગ પણ મરાય છે : હજુ માંડ 40 ટકા કામગીરી થઈ
ભાવનગર શહેરમાં ઘણા તબેલા ધારકો આવેલા છે અને બહોળી સંખ્યામાં પશુ રાખી રહ્યા છે. આ તબેલા ધારકોએ સરકારની નવી નીતિ મુજબ મહાપાલિકા પાસેથી લાયસન્સ મેળવવાનુ છે અને પશુઓનુ રજીસ્ટ્રેશન કરાવવાનુ છે. સરકારની નવી નીતિ બાદ પણ તબેલા ધારકો લાયસન્સ મેળવવા માટે અરજી કરતા ન હતા તેથી મહાપાલિકાએ ૧પ૦થી વધુ તબેલા ધારકોને અગાઉ નોટિસ આપી હતી, જેના પગલે ગાય-ભેસ વગેરે પશુની નોંધણી પશુમાલિકોએ કરાવી હતી. છેલ્લા આશરે દોઢ વર્ષમાં મહાપાલિકાએ કુલ ૪,૧પ૦ પશુની નોંધણી કરી છે અને તેઓના શરીરમાં રેડીયો ફીવેન્સી આઈડેન્ટી રેડીઈશન (આરએફઆઈડી) ચીપ ફીટ કરી છે. આ ચીપમાં પશુ માલિકનુ નામ, સરનામુ વગેરે માહિતી હશે તેથી ગમે ત્યારે પશુ પકડાશે એટલે મહાપાલિકાને માલિકના નામ, સરનામાની જાણ થઈ જશે.
પશુના શરીરમાં ચીપ ફીટ કરવા સાથે તેના કાનમાં ટેગ પણ મારવામાં આવે છે અને મહાપાલિકા દ્વારા આ માટે રૂા. ૧ હજાર ફી લેવામાં આવી રહી છેે. નોંધણીની આશરે ૪૦ ટકા કામગીરી થઈ છે તેમ મહાપાલિકાના વેટરનરી ઓફીસર (પશુત્રાસ નિયંત્રણ) હિતેષ સવાણીએ માહિતી આપતા જણાવેલ છે.
શહેરમાં 483 પશુ માલિકે નોંધણી કરાવી લાયસન્સ મેળવ્યું
ભાવનગર શહેરમાં રહેતા અને ગાય-ભેસ વગેરે પશુ રાખતા પશુ માલિકે મહાપાલિકામાં નોંધણી કરી લાયસન્સ લેવાનુ હોય છે, જેમાં છેલ્લા દોઢ વર્ષમાં ૪૮૩ પશુ માલિકે નોંધણી કરાવી લાયસન્સ લીધુ છે. આ માટે મહાપાલિકા દ્વારા રૂા. પ૦૦ ફી લેવામાં આવે છે અને આ લાયસન્સ ત્રણ વર્ષે રીન્યુ કરાવવાનું હોય છે.
નોંધણી નહીં કરાવનારના પશુ છોડાશે નહીં : અધિકારી
રાજ્ય સરકારના નિયમ અનુસાર પશુ તેમજ પશુ માલિકની નોંધણી મહાપાલિકામાં કરાવવાની હોય છે, જેમાં નવા પશુની પણ જાણ કરવાની હોય છે અને પશુ મૃત્યુ પામે તો પણ જાણ કરવાની હોય છે. ઘણા પશુ માલિકોએ હજુ મહાપાલિકામાં નોંધણી કરાવી નથી તેથી તેઓને એક માસનો સમય આપવામાં આવ્યો છે. એક માસમાં નોંધણી નહીં કરાવનાર પશુ માલિકના પશુ પકડાશે તો છોડવામાં આવશે નહીં તેમ મહાપાલિકાના વેટરનરી ઓફીસરે જણાવેલ છે.