Get The App

ભાવનગરની એચસીજી હોસ્પિટલને પીએમજેએવાય યોજનામાંથી સસ્પેન્ડ કરાયા બાદ ફરી શરૂ કરી દેવાઈ

Updated: Aug 13th, 2025

GS TEAM

Google News
Google News
ભાવનગરની એચસીજી હોસ્પિટલને પીએમજેએવાય યોજનામાંથી સસ્પેન્ડ કરાયા બાદ ફરી શરૂ કરી દેવાઈ 1 - image


- પી.એમ.જે.એ.વાય. યોજનામાં ક્ષતિઓને કારણે 6 માસ પૂર્વે હોસ્પિટલને રૂા. 7.22 કરોડની પેનલ્ટી કરાઈ હતી 

- હોસ્પિટલે પેનલ્ટી નહીં ભરતા અધિક નિયામક-ગાંધીનગરે સસ્પેન્ડનો હુકમ કર્યો હતો, પીએમજેએવાય યોજનાના બે દર્દીઓ પાસેથી ચાર્જી વસુલાયો, 39 કેસના પેકેજમાં વિસંગતતા જણાઈ

ભાવનગર : ભાવનગર શહેરના મેઘાણી સર્કલ પાસે આવેલ એચ.સી.જી હોસ્પિટલમાં પી.એમ.જે.એ.વાય યોજનામાં ક્ષતિઓને કારણે હોસ્પિટલને આરોગ્ય વિભાગની ગાંધીનગરની કચેરી ખાતેથી ૬ માસ પૂર્વે રૂા. ૭.રર કરોડની પેનલ્ટી ફટકારવામાં આવી હતી અને પેનલ્ટી નહીં ભરતા ૧૪ દિવસ પૂર્વે યોજનામાંથી હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી હતી પરંતુ ત્યારબાદ તત્કાલ ફરી હોસ્પિટલમાં યોજના શરૂ કરી દેવામાં આવી હતી. 

શહેરના મેઘાણી સર્કલ ખાતે આવેલ એચ.સી.જી હોસ્પિટલમાં પીએમજેએવાય યોજનામાં ક્ષતિના પગલે આરોગ્ય વિભાગની ગાંધીનગરની કચેરીથી હોસ્પિટલને આશરે ૬ માસ પૂર્વે રૂા. ૭,રર,૯૦,ર૦પ ની પેનલ્ટી કરવામાં આવી હતી, જેમાં ર દર્દીઓ પાસેથી અનુક્રમે રૂ. ૬ હજાર અને ૧૯ હજારનું મની ચાર્જીંગ જોવા મળેલ છે, જયારે હોસ્પિટલના કેસોનું એનાલીસીસ કરતા ૩૯ કેસોમાં અપ કોડીંગ (પેકેજમાં વિસંગતતા) જોવા મળી હતી તેમજ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ રેડિયેશન મશીનમાં સીબીસીટી શકય ન હોવાથી ગત તા. ૧૧ જુલાઈ-ર૦ર૩ થી ગત તા. ર૧ મે-ર૦ર૪ દરમિયાન હોસ્પિટલ દ્વારા મુકવામાં આવેલ રેડિયેશનના કુલ ૯૯૬ કેસમાંથી ૪૪૩ કેસ જેના પેકેજ કોડ હતા તે આ મશીન દ્વારા સારવાર આપી શકાય નહિ છતાં સારવાર આપવામાં આવી હતી. 

હોસ્પિટલે પેનલ્ટી નહીં ભરતા અધિક નિયામક (ત.સે) ગાંધીનગર દ્વારા ગત તા. ર૯ જુલાઈ-ર૦રપ ના રોજ પીએમજેએવાય યોજનામાંથી હોસ્પિટલને સસ્પેન્ડ કરવા હુકમ કર્યો હતો પરંતુ સસ્પેન્ડ કર્યા બાદ થોડા જ કલાકમાં ફરી યોજના હોસ્પિટલમાં શરૂ કરી દેવામાં આવી હતી તેમ મહાપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવેલ છે. 

રેડિયેશન મશીનમાં સીબીસીટી શકય ન હોવા છતાં ૪૪૩ કેસમાં સારવાર અપાઈ 

ગાંધીનગરની કચેરીથી તમામ કાર્યવાહી થાય છે : મહાપાલિકાના મેડીકલ ઓફીસર 

ભાવનગર મહાપાલિકાના મેડીકલ ઓફીસર ઓફ હેલ્થ ડો. આર.કે.સિન્હાએ માહિતી આપતા જણાવ્યુ હતુ કે, એચસીજી હોસ્પિટલની પીએમજેએવાય યોજનામાં ક્ષતિઓની ફરિયાદ ઈન્સ્યોરન્સ કંપનીના અધિકારીએ ગાંધીનગરની કચેરીમાં કરી હતી, જેના પગલે ગાંધીનગરથી પેનલ્ટી કરવામાં આવી હતી. પેનલ્ટી નહીં ભરતા એચસીજી હોસ્પિટલમાં યોજના સસ્પેન્ડ કરવા હુકમ પણ ગાંધીનગરથી થયો હતો પરંતુ ત્યારબાદ થોડા કલાકમાં ફરી યોજના હોસ્પિટલ ખાતે શરૂ કરી દેવામાં આવી હતી. ગાંધીનગરની કચેરીએથી તમામ નિર્ણય કરાતા હોવાથી તેઓને અન્ય કોઈ જાણકારી નથી. 

પીએમજેએવાય યોજનામાં વાર્ષિક રૂા. 10 લાખ સુધી કેશલેસ સારવાર 

પીએમજેએવાય યોજના અંતર્ગત નિયત માપદંડો ધરાવતા પરિવારોને કુટુંબદીઠ વાર્ષિક રૂા. ૧૦ લાખ સુધી નિયત કરેલ પ્રાથમિક, સેકન્ડરી તેમજ ટર્શરી બિમારીઓ માટે કેશલેસ સારવાર આપવામાં આવે છે, જેનો લાભ ઘણા દર્દીઓ લેતા હોય છે. 

Tags :