ભાવનગરમાં પાંચ દિવસથી પાણીના ધાંધિયા, એકાંતરે પાણી અપાતા લોકોમાં ભારે નારાજગી

- શેત્રુંજી લાઈનમાં ભંગાણના પગલે પાણીની ઘટ સર્જાઈ : મનપાએ યોગ્ય પગલા લેવા જરૂરી
- આજે શહેરના તખ્તેશ્વર, ડાયમંડ, વર્ધમાન, દીલબહાર વગેરે ફિલ્ટર અને ઇએસઆર આધારિત વિસ્તારમાં પાણી કાપ
ભાવનગર શહેરમાં આવતીકાલે શનિવારે આશરે ૩પ ટકાથી વધુ વિસ્તારમાં પાણી કાપ રહેશે, જેમાં તખ્તેશ્વર ફિલ્ટર આધારિત સાંઢીયાવાડ, મોમનાવાડ, નવાપરા, રસાલા, કાળુભારોડ, વિદ્યાનગર વગેરે વિસ્તાર અને ડાયમંડ ઈએસઆર આધારિત મેલડી માંની ધાર, બોરડીગેટ, વણકરવાસ, દેરી રોડ, પ્રભુદાસ તળાવ, ખેડૂતવાસ, જમનાકુંડ - શિશુવિહાર આજુબાજુનો વિસ્તાર તેમજ વર્ધમાન ઈએસઆર આધારિત સીગલીયા, પુષ્પક, સિદ્ધાર્થ, તખ્તેશ્વર રેસીડેન્સી, જુના બે માળિયા, ભરતનગર, શિવનગર, કૌશલ્ય પાર્ક, આવાસ યોજના, સ્વપ્ત સૃષ્ટી, હરિઓમનગર, શ્રીનાથજીનગર, આસ્થા હોમ્સ, રીંગરોડ આજુબાજુની સોસાયટી, અધેવાડા સોસાયટી વગેરે વિસ્તારમાં પાણી કાપ રહેશે.
દીલબહાર ઈએસઆર આધારિત કાળીયાબીડ-ડી, કેસરિયા હનુમાન, રામનગર, સાગવાડી, ઓસિયન પાર્ક, અવધનગર, ગોકુળધામ તથા વિરાણીસર્કલ આજુબાજુનો વિસ્તાર તેમજ ચિત્રા ફિલ્ટર ઉપરથી આપવામાં આવતો પાણી સપ્લાય અનીયમિત તેમજ મોડો રહેશે તેમ ભાવનગર મહાપાલિકાના વોટર વર્કસ વિભાગના અધિકારીએ જણાવેલ છે. શેત્રુંજી લાઈનમાં ભંગાણના પગલે પાણીની ઘટ સર્જાઈ છે અને એકાંતરે પાણી આપવામાં આવતા લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે ત્યારે મનપાએ યોગ્ય પગલા લેવા જરૂરી છે.
શેત્રુંજી લાઈન ઝડપી રીપેરીંગ કરવા માંગણી
શેત્રુંજી લાઈનમાં ભંગાણ થતા ગત મંગળવારે આશરે ૪પ એમએલડી પાણી ઘટ આવી હતી તેથી ભાવનગર શહેરના જુદા જુદા વિસ્તારમાં ચાર દિવસથી પાણીના ધાંધીયા જોવા મળી રહ્યા છે. આવતીકાલે શુક્રવારે પાંચમાં દિવસે પણ ઘણા વિસ્તારમાં પાણી વિતરણ થવાનુ નથી તેથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શેત્રુંજી લાઈન રીપેરીંગની કામગીરી ત્રણ દિવસથી ચાલી રહી છે અને લાઈન રીપેરીંગ થયા બાદ નિયમીત પાણી આપવામાં આવશે ત્યારે લાઈન રીપેરીંગનુ કામ ઝડપી કરવા લોકો માંગણી કરી રહ્યા છે.









