ભાવનગર જિલ્લાના સંક્ષિપ્ત સમાચાર
તા. 30 જુલાઇ 2021, શુક્રવાર
માંડવધારના યુવાનનું બાઇક સ્લીપ થતા મોત
ગઢડા તાલુકાના માંડવધાર ગામે રહેતા રમેશભાઇ ભુદરભાઇ ગોલાતર ગત તા.17-7ના રોજ વહેલી સવારે પોતાનું બાઇક લઇને જઇ રહ્યા હતા તે વેળાએ બોટાદની કપલી ધારથી આગળ બાઇક સ્લીપ થઇ જતા તેઓને ગંભીર ઇજા પહોંચતા મૃત્યુ નિપજવા પામ્યું હતું. બનાવ સંદર્ભે મૃતકના સાળા કમલેશભાઇ જીવરાજભાઇ જાખણીયા (રે.સાલૈયા)એ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તજવીજ હાથ ધરી હતી.
બોટાદનો શખ્સ દારૂ સાથે ઝબ્બે
બોટાદના કેશવપાર્ક પાસે શંકાસ્પદ જણાતા જયેશ ઉર્ફે બાલો છગનભાઇ ઝીંઝરીયાની બોટાદ પોલીસે અટક કરી તેની તલાશી લેતા શખ્સના કબ્જામાંથી વિદેશી દારૂની એક બોટલ મળી આવતા કબ્જે લઇ શખ્સ સામે બોટાદ પોલીસે પ્રોહિબીશન એક્ટ તળે ગુનો દાખલ કરી તજવીજ હાથ ધરી હતી.
નિંદ્રાધિન કંડક્ટરનો થેલો ચોરી ગઠીયો રફુચક્કર
ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનમાં કંડક્ટર તરીકે ફરજ બજાવતા અને હાથબ ગામે રહેતા શંભુભાઇ ભુપતભાઇ બારૈયાએ નિલમબાગ પો.સ્ટે.માં ફરિયાદ નોંધાવી હતી કે, ગત રાત્રિના અરસા દરમિયાન એસ.ટી. ડેપોમાં બસ લઇ આવી પ્લેટફોર્મ નં.1૩ની લોબીમાં સુતા હતા તે વેળાએ કોઇ અજાણ્યો શખ્સ ઇલેક્ટ્રોનીક મશીન, આઇકાર્ડ, ફરિયાદ બુક સહિતની ચીજવસ્તુઓ રાખેલ થેલીની ચોરી કરી નાસી છુટયો હતો. બનાવ સંદર્ભે પોલીસે ગુનો દાખલ કરી તજવીજ હાથ ધરી હતી.
લખનૌ અને લદાખના કમભાગીઓને સહાયતા રાશિ અપાશે
ઉત્તરપ્રદેશના લખનૌ પાસે તાજેતરમાં સર્જાયેલી બસ દુર્ઘટનામાં 18 યાત્રિકોએ જીવ ગુમાવ્યા હતા. તેમજ લદાખ અને જમ્મુ કાશ્મિરમાં વાદળ ફાટવાની ઘટનામાં પણ 18 લોકોએ પ્રાણ ગુમાવ્યા હતા. આ તમામ કમભાગીઓને રામકથાના શ્રોતાઓ દ્વારા મોરારિબાપુની સંવેદના સ્વરૂપે સહાયતા રાશિ પહોંચતી કરવામાં આવશે.
શહેરમાં વૃક્ષારોપણ અને પ્રજ્ઞાાચક્ષુઓને સ્ટીકનું વિતરણ કરાયું
વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશનની ભાવનગર શાખા દ્વારા તાજેતરમાં શહેરના વાઘાવાડી રોડ પર 51 વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યુ હતુ. તેમજ 101 પ્રજ્ઞાાચક્ષુઓને તેમના જીવનમાં ઉપયોગી થઈ શકે તેવી બ્લાઈન્ડ મેન સ્માર્ટ સ્ટીકનું વિતરણ કરાયુ હતુ.આ કાર્યક્રમમાં મેયર, ડે.મેયર, સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન,શહેર ભાજપ પ્રમુખ, કોર્પોરેટર્સ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
બોટાદના કલાકારને એવોર્ડ એનાયત કરાયો
બોટાદ જિલ્લાના સુરકા ગામના વતની આર્ટીસ્ટ જીગ્નેશ પ્રજાપતિને અશ્વત્થ પાંદ પેઈન્ટિંગ બદલ મેજીક બુક ઓફ રેકોર્ડઝ દ્વારા ઈન્ડિયા બેસ્ટ આર્ટિસ્ટ એચિવમેન્ટ એવોર્ડ ૨0૨1 થી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ તાજેતરમાં ધ ડાર્ક હોર્સ આર્ટ સંસ્થા દ્વારા યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની આર્ટ એકઝીબીશનમાં પણ તેમનું પેઈન્ટિંગ નેશનલ લેવલે પસંદગી પામેલ છે.
એફ.વાય.બી.એસ.સી.માં 118૨ વિદ્યાર્થીએ ફોર્મ ભર્યા
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા ઓનલાઇન બી.એસ.સી.ની પ્રક્રિયા ચાલી રહી છે. ધોરણ 1૨ વિજ્ઞાન પ્રવાહમાં ઉતિર્ણ થયેલા વિદ્યાર્થીઓ દ્વારા બી.એસ.સી. ખાતે એડમિશન બાબતે ઉત્તમ પ્રતિસાદ સાંપડી રહ્યો છે આજ સુધીમાં 118૨ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હોવાનું જાણવા મળ્યું છે.
ફરિયાદકાના યુવાનનુ ઝેરી ટીકડા ખાતા મોત
વરતેજ તાબેના ફરિયાદકા ગામે રહેતા સાગરભાઈ જગાભાઈ જંડાળીયા (ઉ.વ.૨૬) ગત તા. ૨૪.7ના રોજ બપોરે 1૨.૩0 કલાકના સુમારે ગામના પાદરમાં કોઈ અગમ્ય કારણસર ઝેરી ટીકડા ખાઈ જતા ગંભીર હાલતે તેઓને સર ટી. હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યા સારવાર દરમિયાન આજે બપોરે ૪.00 કલાકના સુમારે મૃત્યુ નિપજ્વા પામ્યુ હતુ. બનાવના પગલે હોસ્પિટલ પોલીસ ચોકીએ કેસ કાગળ કરી વરતેજ પોલીસને રિફર કર્યા હતા.
રાજુલા,જાફરાબાદની ભૂગર્ભ ગટર યોજના બંધ કરાવવા માંગ
રાજુલા અને જાફરાબાદ શહેરમાં ભૂગર્ભ ગટર યોજનાનું કામ કરોડો રૂપીયાના ખર્ચે પૂર્ણ થયેલ છે તેમ છતાં આ બંને તાલુકાની જનતાને ઉપયોગમાં આવે અને સુખાકારી વધે તેના બદલે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગત ૨017 માં ચૂંટાયા બાદ વિધાનસભાના દરેક સત્રમાં અત્રેની ભૂગર્ભ ગટર યોજનાનું કામ વ્યવસ્થિત નથી થયુ તેવી રજુઆતો પ્રશ્નો અને ચર્ચાઓ દ્વારા સતત કરાઈ હવા છતા આજદિન સુધી આ બાબતનું નિરાકરણ આવેલ ન હોય સ્થાનિક લોકમાંગને ધ્યાને લઈને ગટરલાઈન બંધ કરાવવા અંગે ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર પાઠવી માંગ કરી છે.
માલધારી સોસા.ના યુવાનનુ ઈલક્ટ્રીક શોક લાગતા મોત
શહેરના ભરતનગર વિસ્તારના માલધારી સોસાયટીમાં રહેતા રાજુભાઈ હરજીભાઈ ભરવાડીયા (ઉ.વ.૪5) આજે સવારે 10.00 કલાકના સુમારે સિંધુનગરમાં ભંગારના ડેલામાં ઈલે. મશીન વડે લોખંડની ડંકી કાપતા હતા તે વેળાએ અકસ્માતે ઈલે. શોક લાગતા સારવાર અર્થે અત્રેની સર ટી. હોસ્પિટલ ખસેડાતા ફરજ પરના તબીબે 11.૨0 કલાકના સુમારે તપાસી મૃત જાહેર કર્યા હતા. બનાવના પગલે હોસ્પિટલ ચોકીએ કેસ કાગળ કરી ભરતનગર પોલીસને રિફર કર્યા હતા.
સણોસરાના આધેડને શખ્સોએ ધમકી આપી
સિહોર તાલુકાના સણોસરા ગામે રહેતા બાબુભાઈ દિયાળભાઈ ચૌહાણે સોનગઢ પોલીસ મથકમાં આજ ગામના સુરેશ પરશોત્તમભાઈ, પ્રવિણ પરશોત્તમભાઈ સામે ફરિયાદ નોંધાવી હતી કે, તેને વાડીનો રસ્તો રીપેર કરવા બાબતે અપશબ્દો આપી સુરેશે ધારીયુ લઈ મારવા દોડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવના પગલે પોલીસે ગુનો દાખલ કરી તજવીજ હાથ ધરી હતી.
બિમારીથી કંટાળી જઈ મહીલાનો આપધાત
ઘોઘા તાલુકાના કણકોટ ગામે રહેતા દેવકુંવરબેન જીવરાજભાઈ ડાભી (ઉ.વ. ૪5)એ ગઈકાલે વહેલી સવારના ૪.00ના સુમારે બિમારીથી કંટાળી જઈ પોતાની જાતેથી ઝેરી દવા પી લેતા તાત્કાલીક સારવાર અર્થે અત્રેની સર ટી હોસ્પિટલ ખસેડાતા સારવાર દરમિયાન આજે સવારે 8.00 કલાકના સુમારે મૃત્યુ નિપજવા પામ્યુ હોવાનુ હોસ્પિટલ પોલીસ ચોકીથી જાણવા મળ્યુ હતુ.
બોટાદના યુવાનને બે શખ્સે ધોકા ફટકાર્યાં
બોટાદના ખોડિયારનગર-૨માં રહેતા અશ્વીનભાઇ હરજીભાઇ મકવાણાએ ધોળા રેલ્વે પોલીસમાં પોપટ રમેશભાઇ ચૌહાણ અને એક અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઇકાલે બપોરના અરસા દરમિયાન તેઓ બોટાદ રેલ્વે સ્ટેશનથી આગળ ચાલીને જઇ રહ્યા હતા તે વેળાએ ઉક્ત શખ્સોએ આવી તું અહી ખોડિયારનગરમાં કેમ રહેવા આવેલ છે તેમ કહી ધોકા વડે માર મારી ઇજા પહોંચાડી હતી. બનાવ સંદર્ભે પોલીસે ગુનો દાખલ કરી તજવીજ હાથ ધરી હતી.
બોટાદમાંથી બે શખ્સ દારૂની બોટલ સાથે પકડાયા
બોટાદ પોલીસ સ્ટાફ હવેલી ચોક પાસે પેટ્રોલીંગમાં હતો તે વેળાએ બાઇક પર શંકાસ્પદ જણાતા જાહિદ ઉર્ફે જાવલો અહેમદભાઇ માકડ અને અન્ય સમીર બાઉદીનભાઇ માકડની અટક કરી તલાશી લેતા જાહિદના કબ્જા ભોગવટામાંથી વિદેશી દારૂની એક તુટેલી બોટલ મળી આવતા કબ્જે લીધી હતી. જ્યારે સમીરના કબ્જામાંથી બાઇક કબ્જે લઇ બંનેની અટકાયત કરી પ્રોહિબીશન એક્ટ તળે ગુનો દાખલ કરી તજવીજ હાથ ધરી હતી.