સરકારી નોકરીના નામે દંપતિએ રાજ્યપાલની સહી વાળો પત્ર મોકલ્યો
નવરંગપુરા પોલીસે છેતરપિંડીની ફરિયાદ નોંધી
સરકારી ભરતી શાખાના મેમ્બર હોવાનુ ંકહીને ૨૫ લાખમાં મનપસંદ નોકરી આપવાની ખાતરી આપી નાણાં ખંખેર્યા

અમદાવાદ, રવિવાર
શહેરના નરોડામાં રહેતા અને નવરંગપુરામાં રહેતા યુવકને સરકારના કોઇપણ વિભાગમાં મનપસંદ સ્થળે નોકરી અપાવવાનું કહીને ભાવનગરમાં રહેતા દંપતિએ ૨૫ લાખમાં ડીલ નક્કી કરીને ગુજરાતના રાજ્યપાલની સહી અને ગુજરાત સરકારના સિક્કા વાળો બનાવટી લેટર અને આઇ કાર્ડ મોકલીને છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નવરંગપુરા પોલીસ મથકે નોંધવામાં આવી છે.
શહેરના નરોડામાં આવેલા બાલાજી એન્ક્લેવમાં રહેતા મયુરભાઇ જોષી નવરંગપુરામાં કરન્સી મેનેજમેન્ટનું કામ કરે છે. આશરે એક વર્ષ પહેલા તેમની મુલાકાત ૧૫ વર્ષ જુના કોટુંબિક મિત્ર કોમલ ત્રિવેદી અને આનંદ ત્રિવેદી સાથે થઇ હતી. તેમણે જણાવ્યું હતું કે તે હાલ ભાવનગર સુભાષનગર ખાતે રહે છે અને સરકારી નોકરી કરવાની સાથે સરકારી ભરતી સીધી નિમણૂંક કરવાની સત્તા ધરાવે છે. તેમણે મયુરભાઇને માત્ર ૨૫ લાખ લઇને કોઇપણ સરકારી વિભાગમાં ઉચા હોદાની નોકરી અપાવવાની અને તેમની મનપસંદ જગ્યાએ પોસ્ટીંગ આપવાની ખાતરી આપી હતી.
જેથી મયુરભાઇએ વિશ્વાસમાં આવીને પહેલા ચાર લાખ રૂપિયા આપ્યા હતા. ત્યારબાદ બીજા અઢી લાખ રૂપિયા આપતા કોમલ ત્રિવેદીએ વોટ્સએપ પર એક ગુજરાત સરકારના સિમ્બોલ વાળો એક લેટર મોકલ્યો હતો. જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની સહી અને સરકારનો સિક્કો હતો. સાથેસાથે જણાવ્યું હતુ ંકે આ પત્ર ખાનગી છે. જેથી કોઇને બતાવવો નહી. ત્યારબાદ મયુરભાઇને હ્યુમન રાઇટ્સ કમિશનનું આઇ કાર્ડ મોકલ્યું હતું. પરંતુ, ત્યારપછી અનેક મહિનાઓ બાદ પણ કામગીરી ન થતા મયુરભાઇને શંકા ગઇ હતી અને તેમણે રાજ્યપાલના પત્ર અને આઇડી અંગે તપાસ કરતા જાણવામ મળ્યું હતું કે બંને બોગસ હતા. જેથી આ અંગે નવરંગપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

