ભાવનગરમાં લિફ્ટમાં ફસાઇ જતાં 6 વર્ષના બાળકનું મોત, રહીશોમાં ફફડાટ
Bhavnagar News: રાજ્યભરના મોટા શહેરો આવેલી બિલ્ડીંગોમાં લિફ્ટની સુવિધા બેઝિક જરૂરિયાત બની ગઇ છે. પરંતુ આ સાથે સાથે લિફ્ટમાં ખામી સર્જાતા અનેકવાર અકસ્માત સર્જાતા હોય છે. ત્યારે ભાવનગરમાં લિફ્ટમાં ફસાઇ જતાં 6 વર્ષના બાળકનું મોત નીપજ્યું છે. પોસ્ટમોર્ટમ બાદ બાળકના મૃતદેહને માતા-પિતાને સોંપવામાં આવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભાવનગર શહેરના અન્નપૂર્ણા એપાર્ટમેન્ટમાં એક બાળક લિફ્ટમાં ફસાઇ જતાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. ત્યારબાદ બાળકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું, જ્યાં બે દિવસની સારવાર બાદ બાળકે દમ તોડ્યો હતો. આ ઘટનાને પગલે સ્થાનિક રહીશો ભારે ચિંતાનો માહોલ સર્જાયો છે.
ઉલ્લેખનીય છે આ ઘટના માતા-પિતા માટે લાલબત્તી સમાન છે. ક્યારેક માતા-પિતા પોતાના બાળકોને લિફ્ટમાં એકલા મોકલી દેતા હોય છે. ત્યારે અચાનક લિફ્ટમાં ખામી સર્જાતા બાળક ગભરાઇ શકે છે તો ક્યારેક મોટી દુર્ઘટના સર્જાતા જીવ ગુમાવવાનો વારો આવે છે.
પડધરીમાં કારખાનામાં લિફ્ટમાં માથું ફસાઇ જતાં શ્રમિકનું મોત
ગત મહિને પડધરીમાં આવેલા ક્રેડન સોલાર નામના કારખાનામાં લિફટમાં માથુ ફસાઇ જતાં અલ્પેશ ધનજીભાઈ રાઠોડ (ઉ.વ.25)નું કમકમાટીભર્યું મૃત્યુ નિપજ્યું હતું. પડધરી પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી તપાસ હાથ ધરી છે.