અમદાવાદમાં રાસ-ગરબાનો સંપૂર્ણ ઓથેન્ટિક શૉ 'ગરબા-રાસ તો બારેમાસ' યોજાયો, હુડો-પ્રાચીન ગરબો જેવી શૈલીઓને થઈ પ્રસ્તુતિ

Navratri 2025 : ગુજરાત સમાચાર ગ્રૂપના કલા પ્રકલ્પ કલાસ્મૃતિ દ્વારા નવરાત્રિની પૂર્વ સંધ્યાએ સાલ ઓડિટોરિયમમાં ભાતીગળ રાસ-ગરબાનો સંપૂર્ણ ઓથેન્ટિક શૉ 'ગરબા-રાસ તો બારેમાસ' યોજાયો. જેમાં ગરબાકિંગ ચેતન જેઠવા અને તેમના ગ્રૂપ દ્વારા પ્રાચીન રાસ ગરબાની હુડો, અઠિંગો, માંડવડી, પ્રાચીન ગરબો, રાંદલ માનો ગરબો, ટિપણી જેવી શૈલીઓની તેના શુદ્ધ સ્વરૂપમાં પ્રસ્તુતિ કરવામાં આવી. જેમાં ખાસ કરીને ભગવાન રામ અને સીતા પરનો રાસ રજૂ કરવામાં આવ્યો.
એટલું જ નહીં, પણ રાસ-રાસડો કોને કહેવાય, ગરબો-ગરબી શું છે, તે કોણ રમે, નવરાત્રિમાં કાણાવાળો ગરબો કેમથી શરુ કરીને રાસ-ગરબાની ઉત્પત્તિ અને વિકાસની જર્નીની ઓથેન્ટિક ઇન્ફર્મેશન રસાળ શૈલીમાં દર્શકો સમક્ષ રજૂ કરવામાં આવી હતી.
TAFF (ટ્રાવેલ, આર્ટ, ફૂડ એન્ડ ફેશન) ગ્રૂપના સક્રિય સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં લેખક-પ્રવાસી-વક્તા અને કલાસ્મૃતિના અધ્યક્ષ જય વસાવડાએ પોતાના પ્રાસંતિક ઉદ્બોધનમાં કહ્યું હતું કે, 'નવરાત્રિ કલાસ્મૃતિના સ્થાપક અને જેમના નામ પર આ સંસ્થા છે, એવા ગુજરાત સમાચાર પરિવારના સ્મૃતિબહેન શાહનો સૌથી પ્રિય તહેવાર હતો, ભાતીગળ સંસ્કૃતિ અને ગરબા તો એમને ખૂબ જ ગમતાં અને આ એમના વિનાની પહેલી નવરાત્રિ છે, એ સૂની ન લાગે એટલે એમને સ્મરીને એમના સન્માનમાં અમે "ગરબારાસ તો બારેમાસ" કાર્યક્રમ ઉજવાવાનું નક્કી કર્યું.'
આ કાર્યક્રમમાં રાજકીય-સામાજિક આગેવાનો, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને નાટ્યજગતના અગ્રણી કલાકારો તેમજ મોટી સંખ્યામાં કલા-ગરબાપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.