મરઘાનો ટેમ્પો પાર્ક કરવા અંગે ચાલકને જાતિ વિરુદ્ધના શબ્દો કહી બે શખ્સોએ માર માર્યો
મરઘાનો ટેમ્પો પાર્ક કરવાની બાબતે બે શખ્સોએ ટેમ્પો ચાલકને ગડદાપાટુનો માર મારી જાતિ વિરુદ્ધનું ઉચ્ચારણ કરતા ભરૂચ રૂરલ પોલીસે ફરિયાદના આધારે બંને આરોપીઓ સામે મારામારી તથા અનુસૂચિત જાતિ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ભરૂચના મનુબર ગામ ખાતે રહેતા 44 વર્ષીય શાંતિલાલ વસાવા મરઘા ફાર્મ ઉપર ટેમ્પો ચલાવે છે. તેમણે ફરિયાદમાં કહ્યું હતું કે, ગઈ તા. 26 ઓગષ્ટના રોજ સાંજે મે અમારા ગામના ફરહાન દિવાનની દુકાને ગાડીમાંથી મરઘા ખાલી કરતો હતો. તે વખતે બાજુમાં ચ્હાની લારી પાસે રહીશ ખંજરા (રહે - મનુબર ગામ) એ મને કહ્યું હતું કે, તારે અહીંયા ગાડી મૂકવી નહીં. જેથી મે તેને જણાવ્યું હતું કે, મારા શેઠ ઇદ્રિશભાઈ સાથે વાત કરી લે તેઓ કહેશે તે પ્રમાણે ગાડી પાર્ક કરીશ. ત્યારબાદ તા. 28 ઓગષ્ટના રોજ ચ્હાની લારી પાસે રહીશ ખંજરા તથા ઇમરાન ઉર્ફે બારવટીયા ઉભા હોય તે પૈકી રહીશે તારે મરઘા ભરેલો ટેમ્પો અહીંયા મુકવાનો નહીં તેમ જણાવી મને ગડદાપાટુનો માર માર્યો હતો. ઇમરાને પણ મને અપશબ્દો કહી માર માર્યો હતો. આસપાસથી મદદે દોડી આવેલ લોકોએ મારો બચાવ કર્યો હતો. આ દરમ્યાન બંને શખ્સો મને અપશબ્દો કહી જાતિ વિરુદ્ધનું ઉચ્ચારણ કરી રહ્યા હતા. મૂઢમાર વાગવાથી મને શરીરના ભાગે આંતરિક ઇજાઓ પહોંચતા સિવિલ હોસ્પિટલમાં સારવાર કરાવી હતી.