ભરૂચ SOGની ભાડુઆત રજીસ્ટ્રેશન અંગેની કાર્યવાહી બીજા દિવસે પણ જારી : 7 દુકાન માલિકો વિરુદ્ધ ગુનો
Bharuch : ભરૂચ એસઓજી ટીમે અંકલેશ્વરના એપલ પ્લાઝા શોપિંગ સેન્ટરમાં 7 દુકાન માલિકો વિરુદ્ધ જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધ્યા બાદ બીજા દિવસે પણ કાર્યવાહી જારી રાખી ભરૂચના સેવાશ્રમ શોપિંગ સેન્ટર અને આર.કે શોપિંગ સેન્ટરમાં પોલીસને જાણ કર્યા વિના દુકાનો ભાડે આપનાર 7 દુકાન માલિકો વિરુદ્ધ જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરી હતી.
ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના મુજબ ભરૂચ એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે, ભરૂચ સેવાશ્રમ રોડ ઉપર આવેલ સેવાશ્રમ શોપિંગ સેન્ટરમાં આવેલ દુકાનોના માલિક વિરેન્દ્ર ભગુભાઈ સોલંકી (રહે-ઝાડેશ્વર ગામ ,ભરૂચ), કલ્પેશ ચંપકલાલ સોની (રહે-પાંચબત્તી, ભરૂચ), રાજીવ એમ.શાહ (રહે-શાલીમાર ટોકીઝ કમ્પાઉન્ડ), અંકિત રાજેશકુમાર તાપસીવાલા (રહે-અયોધ્યા નગર શક્તિનાથ), ઈરફાન ભાઈ (રહે-ફાટા તળાવ) તેમજ ભરૂચ ઓમકારનાથ હોલ સામે આવેલ આર.કે.શોપિંગ સેન્ટરમાં આવેલ દુકાનના માલિકો વીરજી ગણેશા વિરાટ (રહે-કુંજ રેસી પ્લાઝા, ભરૂચ), પ્રેમજી બચુભાઈ પટેલ (રહે-લિંક બંગ્લોઝ લિંક રોડ) એ ભાડુઆત સંબંધે નિયત કરેલ ફોર્મ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જમા કરાવ્યું ન હતું. જેથી ભરૂચ એ ડિવિઝન પોલીસે જાહેરનામા ભંગ બદલ તમામ વિરુદ્ધ બીએનએસ 223 (બી) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.