Get The App

ભરૂચની સાયખા GIDCમાં વિકરાળ આગ: કંપનીમાં બોઈલર બ્લાસ્ટ થતાં 3 શ્રમિકોના કરૂણ મોત, 24 ઇજાગ્રસ્ત

Updated: Nov 12th, 2025

GS TEAM

Google News
Google News
ભરૂચની સાયખા GIDCમાં વિકરાળ આગ: કંપનીમાં બોઈલર બ્લાસ્ટ થતાં 3 શ્રમિકોના કરૂણ મોત, 24 ઇજાગ્રસ્ત 1 - image
AI IMAGe

Bharuch Fire News: ભરૂચ જિલ્લાના સાયખા જીઆઈડીસી ખાતે આવેલી વિશાલ્યકરની ફાર્માકેમ કંપનીમાં મંગળવારે રાત્રે લગભગ 2.30 વાગ્યાની આસપાસ એક ગોઝારી દુર્ઘટના સર્જાઈ હતી. કંપનીના બોઈલરમાં અચાનક પ્રચંડ બ્લાસ્ટ થતાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેણે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ ભયાનક અકસ્માતમાં અત્યાર સુધીમાં 3 શ્રમિકોના મૃત્યુ નીપજ્યા છે, જ્યારે આસપાસની કંપનીઓના કામદારો સહિત 24 લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાત્રિના સમયે થયેલો આ બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે તેનો અવાજ દૂર-દૂર સુધી સંભળાયો હતો, જેના કારણે સમગ્ર પંથકમાં ભયનો માહોલ સર્જાયો હતો. બ્લાસ્ટની તીવ્રતા એટલી હતી કે તેની અસર આસપાસ આવેલી 4 થી 5 અન્ય કંપનીઓ પર પણ પડી હતી અને તેમના સ્ટ્રક્ચરને પણ નુકસાન થયું હતું.

આ પણ વાંચો: અમરેલીમાં હચમચાવી દેતી ઘટના: યુવક પર જીવલેણ હુમલો, હુમલાખોરોએ બંને પગ કાપી ધડથી અલગ કર્યા!

આગની આ વિકરાળ ઘટનામાં આસપાસની કંપનીઓના કામદારો અને સિક્યુરિટી સ્ટાફ મળી કુલ 24 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

જોકે, આગ કાબુમાં આવ્યા બાદ ફાયર વિભાગ દ્વારા કુલિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ દુર્ઘટનામાં હજી પણ કેટલાક લોકો કંપનીમાં ફસાયા હોવાની આશંકાને પગલે શોધખોળ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેના કારણે મૃત્યુઆંક વધવાની ભીતિ સેવાઈ રહી છે.

આ ગંભીર ઘટનાની જાણ થતાં જ મામલતદાર અને વહીવટી તંત્રની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. હાલ પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બંને મૃતક શ્રમિકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. પીએમની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મૃતદેહો તેમના પરિજનોને સોંપવામાં આવશે.

Tags :