ભરૂચ પોલીસે દારુના જથ્થા સાથે ઝડપેલો બુટલેગર ભાજપનો નેતા નીકળ્યો, જામીન પર છુટકારો
Narmada News: નર્મદા જિલ્લા એલ.સી.બી. (લોકલ ક્રાઈમ બ્રાંચ) પોલીસે મહારાષ્ટ્ર તરફથી આવતી એક કારમાંથી વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કેસમાં ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકા ભાજપ ઉપપ્રમુખ બાલુભાઇ ફતેસિંહ વસાવાને ઝડપી પાડવામાં આવ્યા હતા છે. બે સપ્ટેમ્બરે પોલીસે તેમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, બાદમાં તે જામીન પર છૂટી ગયા છે.
શું હતી ઘટના?
પોલીસને મળેલ બાતમીના આધારે નર્મદા જિલ્લા એલ.સી.બી.ની ટીમે નજીકના નાલાકૂંડા ત્રણ રસ્તા પાસે નાકાબંધી કરી હતી. આ દરમિયાન મહારાષ્ટ્રના તીન ખૂણીયા જવાના રસ્તા પરથી પસાર થઈ રહેલી GJ 16 BK 0465 નંબરની સફેદ મારુતિ સ્વિફ્ટ કારને રોકીને તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે કારમાં સવાર બાલુ ફતેસિંહ વસાવાની ધરપકડ કરી છે. તેમની પાસેથી ₹26,400 ની કિંમતનો બિયરનો જથ્થો અને ₹3 લાખની કિંમતની કાર જપ્ત કરવામાં આવી છે. આમ, પોલીસે કુલ ₹3.26લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ ઘટના બાદ પોલીસે નેતા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. આ મામલે રાજકીય વર્તુળોમાં પણ ચર્ચાઓ શરૂ થઈ છે. પરંતુ બાદમાં નેત્રંગ તાલુકા ભાજપ ઉપપ્રમુખ બાલુભાઇ ફતેસિંહ વસાવાનો જામીન પર છુટકારો થયો છે.